Rajkot: ક્લેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ

તા.૨૦/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મેડિકલ સ્ટોરમાં પ્રતિબંધિત દવાઓનું નિયમિત પરીક્ષણ કરવા તેમજ શાળા પાસે તંબાકુ વેચતા લોકો સામે સખ્ત પગલાં લેવા કલેકટરશ્રીની સૂચના
Rajkot: ક્લેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. કલેકટરશ્રીએ વિવિધ વિભાગ દ્વારા ડ્રગ્સ વિરોધી કરેલી કામગીરીની સમીક્ષા હાથ ધરી આવનારા દિવસોમાં ડ્રગ્સ, નશીલી દવાઓ તેમજ શાળા આસપાસ તંબાકુનું વેચાણકર્તા પર સખ્ત હાથે કામગીરી કરવા સૂચના આપી હતી.
જે લોકો આ દુષણનો શિકાર બન્યા હોય, તેઓ માટે વ્યસનમુક્તિ કેન્દ્રનો ખાસ પ્રચાર પ્રસાર કરવા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. અધિકારીઓને ડ્રગ્સ વિરોધી કામગીરી તથા ડ્રગ્સના દૂષણને નાથવા યુવાનોમાં જાગૃતિ કેળવવા પર કલેકટરશ્રીએ ખાસ ભાર મુકયો હતો. જાગૃતિ ઝુંબેશ વધારવા તથા સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત નાગરિકો, યુવાનોને ‘સે નો ટુ ડ્રગ્સ’ના શપથ લેવડાવવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશે બેઠકમાં જણાવ્યું હતું કે, શાળા-કોલેજ નજીક તમાકુ, સિગારેટ જેવા નશાકારક પદાર્થોનું વેચાણ ન જ થવું જોઈએ. તેમણે આવા વિતરકો પર દરોડા વધારવા સૂચના આપી હતી. ડ્રગ્સના દૂષણને સમાજમાંથી નાબૂદ કરવા સરકારશ્રી પણ ખાસ ભાર મુકી રહી છે, ત્યારે લોકોમાં તેમજ યુવાનોમાં વધુ જાગૃતિ લાવવા માટે નશાબંધી ખાતાને જનજાગૃતિ ઝુંબેશનું પ્રમાણ વધારવા તેમણે જણાવ્યું હતું. એટલું જ નહીં, સરકારી કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો જોડાતા હોય છે, ત્યારે આવા કાર્યક્રમોમાં પણ નશો-ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લેવડાવવા પણ પ્રાંત અધિકારીશ્રીઓને જણાવાયું હતું.
રાજકોટ જિલ્લામાં અવાવરૂ જગ્યાઓ તેમજ ડેમ આસપાસની ખાલી જગ્યામાં છુપાઈને થતું ગાંજા તેમજ અફીણનું વાવેતર શોધી કાઢવા માટે તેમજ મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતા નશીલા સીરપના વેચાણ પર સઘન નિરીક્ષણ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર, આસિસ્ટન્ટ કલેકટરશ્રી મહેક જૈન, પ્રાંત અધિકારીઓ સર્વે શ્રી ચાંદની પરમાર, શ્રી વિમલ ચક્રવર્તી, શ્રી આર.આર. ખાંભરા, શ્રી રાહુલ ગમારા, શ્રી નાગાજણ તરખલા, એસ.ઓ.જી.ના અધિકારીશ્રીઓ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક, આરોગ્ય તથા કમિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.







