Rajkot: પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ

તા.૧૮/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ગાંજા અને ડ્રગ્સના વેચાણકર્તાઓ વિરુદ્ધ કડક કામગીરી કરવા સૂચના
Rajkot: પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરશ્રીએ રાજકોટ પોલીસ વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા ગાંજાના ઉપયોગ, વેચાણ તથા વાવેતર સંબંધિત કેસોના વધતા પ્રમાણની ઘટનાને લાલ બત્તી સમાન ગણાવી હતી. આ સંદર્ભે તેમણે ગાંજો તેમજ ડ્રગ્સનું વેચાણ અને સેવનનું પ્રમાણ વધી રહ્યું હોવાનું જણાવી પોલીસ તેમજ અન્ય સહયોગી સંસ્થાઓને આ સ્થિતિને ગંભીરતાપૂર્ક લેવા અને રેકેટ તોડવા માટે કડક કામગીરી કરવા સૂચના આપી હતી.
શ્રી બ્રજેશ કુમારે ગાંજા માટે વપરાતા રોલિંગ પેપર પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ કરતા વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને સઘન ચેકિંગ ચાલુ રાખવા સૂચના આપી હતી. ખાસ કરીને કોલેજના છાત્રોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાથી કોલેજ, યુનિવર્સિટીના સત્તાધીશોને સ્ટ્રીકટ મોનિટરિંગ કરવા પણ કમિશનરશ્રીએ સૂચના આપી હતી.
એન્ટી-ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત ક્રાઈમ વિભાગના ડી.સી.પી. શ્રી જગદીશ બાંગરવાએ પોલીસ વિભાગ દ્વારા ચાલુ માસે કરવામાં આવેલી કામગીરી અંતર્ગત શાળા, કોલેજમાં કરાયેલા જનજગૃતિ કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. એસ.ઓ.જી. અને પોલીસ વિભાગ દ્વારા ગાંજા અને એમ.ડી. ડ્રગ્સના વેચાણ કરતા ૩ કેસમાં ૫ આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. ના કેસ, શાળા આસપાસ ૧૦૦ મીટરમાં પ્રતિબંધ હોવા છતાં તંબાકુ સંબંધી વેચાણકર્તા પાન ગલ્લા વિરુદ્ધ કોપટા એક્ટ હેઠળ ૧૧૭ કેસમાં રૂ. ૨૩,૪૦૦ નો દંડ કરાયાનું જણાવાયું હતું. પી.આઈ.ટી. એન.બી.પી.એસ. હેઠળ ૧૬ પ્રપોઝલ પર કામગીરી કરવામાં આવી હોવાનું શ્રી બાંગરવાએ જણાવ્યું હતું.
બેઠકમાં તા. ૯ ઓક્ટોબર થી ૯ ડિસેમ્બર દરમ્યાન રાષ્ટ્રીય આરોગ્ય મિશન દ્વારા ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન, રાજકોટ મહાનગર પાલિકા, વન વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એન્ટી-ડ્રગ્સ કેમ્પેઇન અંગે કરવામાં આવેલી કાંમગીરીની વિગતો રજુ કરી હતી.
આ બેઠકમાં ડી.સી.પી. ઝોન – ૧ શ્રી હેતલ પટેલ, ઝોન – ૨ શ્રી રાકેશ દેસાઈ, પ્રાંત અધિકારી શ્રી ચાંદની પરમાર, એસ.ઓ.જી ના પી.આઈ. શ્રી એસ.એમ. જાડેજા સહીત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ, કસ્ટમ, સમાજ સુરક્ષા, ફૂડ એન્ડ ડ્રગ્સ, ફોરેન્સિક, સિવિલ, મનોચિકિત્સક, રિહેબિલિટેશન, કૃષિ અને વન વિભાગ, તોલમાપ. સાઇન્ટિફિક સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, મહાનગર તેમજ સિવિલના આરોગ્ય અધિકારીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સીટીના નોડલ અધિકારીશ્રીઓ જોડાયા હતાં.




