GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને પોલીસ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની બેઠક યોજાઈ

તા.૨૫/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અરજદારોને ન્યાય આપવામાં રાજકોટ પોલીસની ઉમદા કામગીર

‘ફરજિયાત હેલ્મેટ’ સામાજિક આંદોલનમાં નાગરિકોને જોડાવવાની અપીલ કરતા મંત્રીશ્રી

હેલ્મેટ ઝુંબેશ દંડ ઉઘરાવવા માટે નહીં, પણ લોકોનું જીવન બચાવવા સામાજિક આંદોલન છે

Rajkot: રાજ્યમાં ગૃહ અને પોલીસ હાઉસિંગ મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે પોલીસ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં અરજદારોને ન્યાય આપવાની ઉમદા કામગીરી બદલ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોલીસ ટીમને અભિનંદન પાઠવી લોકદરબારમાં રજૂ થયેલા પ્રશ્નોનું તુરંત નિરાકરણ લાવવા તાકીદ કરી હતી.

આ ઉપરાંત, મંત્રીશ્રીએ રાજકોટમાં ટ્રાફિક નિયમન તેમજ હેલ્મેટ ઝુંબેશ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હેલ્મેટ ઝુંબેશને સામાજિક આંદોલન રૂપે લેવામાં આવે, તે ઇચ્છનીય છે. હેલ્મેટ ઝુંબેશ દંડ ઉઘરાવવા માટે નહીં, પણ લોકોનું જીવન બચાવવા સામાજિક આંદોલન છે. હેલ્મેટ ઝુંબેશને ક્રિએટિવ બનાવવા પોલીસ અને જનપ્રતિનિધિઓ પણ આ આંદોલનમાં જોડાય, તેમ સૂચના આપી હતી.

મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, નાગરિકોની ટીકા સહન કરીને પણ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવી જરૂરી છે, કારણ કે હેલ્મેટ પહેરવાથી વાહન અકસ્માતમાં જીવન બચે છે. શાળા-કોલેજો અને સંસ્થાઓમાં જઈને હેલ્મેટનું મહત્વ સમજાવવા, પોલીસ સાથે જનપ્રતિનિધિઓ અને સમાજશ્રેષ્ઠીઓ આગળ આવે, તેવી અપીલ પણ આ તકે મંત્રીશ્રીએ કરી હતી.

હેલ્મેટ વગર વાહન ચલાવવાથી અકસ્માતમાં અનેક લોકો જીવન ગુમાવતા હોય છે. હેલ્મેટ પહેરવાથી મોટેભાગે અકસ્માત વખતે વાહનચાલકનું જીવન બચી જાય છે. ત્યારે હેલ્મેટ ઝુંબેશના અનુસંધાને સરકારનો હેતુ દંડ ઉઘરાવવાનો નથી, પણ લોકોનું જીવન બચાવવાનો છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ તકે મંત્રીશ્રીના હસ્તે પી.એસ.આઇ. શ્રી આર. એમ. ઝાલા અને શ્રી નિલેશ મકવાણા, એ.એસ.આઇ. શ્રી વિજયરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ શ્રી હાર્દિકસિંહ પરમાર અને શ્રી જીતેશ દાફડાને સરાહનીય કામગીરી બદલ પ્રશંસાપત્ર આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ આ તકે મંત્રીશ્રીએ રાજકોટ શહેર-ગ્રામ્ય પોલીસ તંત્રને કામગીરીને બિરદાવી હતી.

આ બેઠકમાં મેયર શ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યો શ્રી ડો. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ અને શ્રી રમેશભાઈ ટીલાળા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર, શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા, રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ, અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડીયા, ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ, નાયબ પોલીસ કમિશનરો શ્રી સજનસિંહ પરમાર, શ્રી પાર્થરાજસિંહ ગોહિલ અને શ્રી જગદીશ બાંગરવા, ટ્રાફિક ડી.સી.પી. શ્રી પૂજા યાદવ અને મદદનીશ પોલીસ કમિશનરો શ્રી રાધિકા ભારાઈ અને શ્રી ભરત બસિયા, અગ્રણીઓ શ્રી માધવભાઈ દવે, શ્રી ભરતભાઈ બોઘરા, શ્રી લીલુબેન જાદવ, શ્રી મનીષભાઈ રાડિયા, શ્રી મુકેશભાઈ દોશી સહિત પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!