


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએ માટી ચોરી અને રેતી ખનન સહિતની ફરિયાદો ઉઠતી હોય છે.ત્યારે ગતરોજ સાંજના સમયે ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આમોદ તાલુકાના આછોદમાં ગેરકાયદેસર માટીનું ખોદકામ ચાલતું હોવાની જાણ થતા સ્થળ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.આ કાર્યવાહી દરમિયાન વિભાગે અંદાજે રૂ. 3 કરોડની કિંમતના વાહનો જપ્ત કર્યા છે. જેમાં 9 ડમ્પર અને બે હિટાચી મશીનનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પટેલ બસીર એહમદ નામના વ્યક્તિએ 10 હજાર મેટ્રિક ટનની માટી ખનનની પરવાનગી મેળવી હતી.
જો કે, તપાસમાં મંજૂર મર્યાદા કરતાં વધુ માટી ખનન થયું હોવાનું સામે આવ્યું છે. આ કારણે વિભાગે તમામ વાહનો જપ્ત કરી લીધા છે. આ દરોડાથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જપ્ત કરાયેલા તમામ વાહનોને આમોદ મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવ્યા છે.




