GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કલેક્ટરશ્રી ડો.ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને “જિલ્લા માર્ગ સલામતી સમિતિ”ની બેઠક યોજાઈ

તા.૫/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ગેરકાયદે ગેપ-ઈનમીડિયન તોડનાર લોકો વિરુદ્ધ કડક દંડનીય કાર્યવાહી તથા ક્વિક રિસ્પોન્સ સાથે રોડ-રસ્તા રિપેરિંગની કામગીરી કરવા સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપતા કલેક્ટરશ્રી

Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા માર્ગ સલામતીની બેઠક યોજાઈ હતી. જેમાં માર્ગ સલામતીને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, નેશનલ હાઈવે ડિવિઝન, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ્સ/પંચાયત, રૂડા સહિતના વિભાગોની કામગીરી અંગે સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા અનધિકૃત દબાણ, ટ્રાફિક જામ, ગેરકાયદે તોડવામાં આવેલા ગેપ-ઈનમીડિયન, ક્ષતિગ્રસ્ત સર્વિસ રોડ, મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓમાં પેચવર્ક અને રિસર્ફેસિંગની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીશ્રીઓને બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. વધુમાં કલેક્ટરશ્રીએ રેસ્ટોરન્ટ અને પેટ્રોલ પંપ આસપાસ ગેરકાયદે ગેપ-ઈનમીડિયન તોડીને રસ્તો બનાવાના કારણે જીવલેણ અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે વારંવાર આવી પ્રવૃત્તિ કરનાર લોકો વિરુદ્ધ કડક દંડનીય કાર્યવાહી કરવા જણાવ્યું હતું તેમજ ચોમાસાની ઋતુને ધ્યાને લઈ વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે ક્ષતિગ્રસ્ત રોડ રસ્તાઓનું ક્વિક રિસ્પોન્સ સાથે સમારકામની કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં પ્રેઝન્ટેશન મારફત રોડ રસ્તા રિપેરિંગને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, આર.એન્ડ.બી. પંચાયત/સ્ટેટ, રૂડા સહિતની વિવિધ એજન્સી દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી પુરી પાડી હતી. હાલ ગ્રીનલેન્ડ ચોકડી થી ગોંડલ ચોકડી તથા ગોંડલ ચોકડી થી ગોંડલ સુધીના સર્વિસ રોડ ઉપર રોડ-રીપેરીંગની કામગીરી શરૂ હોવાનું નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જણાવાયું હતું. સાથો સાથ રાજકોટ-મોરબી રોડ પરના ૫૬ જેટલા, રાજકોટ ભાવનગર હાઇવે પરના ૨૨ જેટલા ગેરકાયદે ગેપ-ઈનમીડિયન પુનઃબંધ કરાયાનું જણાવ્યું હતું.

આ તકે રાજકોટ પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહએ નેશનલ હાઈવે ઉપર અકસ્માત બાદ ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને અસરગ્રસ્ત વાહનને ઝડપથી દૂર કરવા જરૂરી ક્રેઈન અને મશીનરીની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવા સૂચનો આપ્યા હતા.

વિશેષમાં આગામી તા.૧૫ ઓગસ્ટ,૨૦૨૫ના રોજ અકસ્માતમાં ઘાયલોને મદદરૂપ બનનાર ‘ગુડ સેમરિટન’ લોકોને સન્માનિત કરવામાં આવશે. જયારે અકસ્માતમાં ઘાયલને હોસ્પિટલમાં રૂ. દોઢ લાખ સુધીની કેશલેસ સારવાર મળવાપાત્ર હોવાનું વાહનવ્યવહાર અધિકારીશ્રી કેતન ખપેડે જણાવ્યું હતું. જેના પ્રચાર પ્રસાર માટે આઈ.એમ.એ., રોટરી ક્લબ, રેડક્રોસ સહિતની એન.જી.ઓ. સહભાગી બને તેમ કલેકટરશ્રીએ સંલગ્ન સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓને જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેકટર શ્રી એ.કે. ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટર શ્રી મહેક જૈન, પ્રાંત અધિકારીશ્રી વિમલ ચક્રવર્તી, ગ્રામ્ય એસ.પી. શ્રી એસ.એસ.રાઘવન્દુ, સહિત સિવિલ, શિક્ષણ, ૧૦૮ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રી તેમજ પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!