Rajkot: પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ
તા.૧૮/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
નશીલા પદાર્થના વેચાણકર્તાની માહિતી પોલીસ વિભાગને આપવા જાહેર જનતાને અપીલ કરતા પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા
Rajkot: પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા ની અધ્યક્ષતામાં આયોજિત રાજકોટ શહેર નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠકમાં યુવાધનને નાર્કોટિક્સ ડ્રગ્સના સેવનથી દૂર રાખવા શાળા, કોલેજોમાં જનજાગૃતિનું અભિયાન વ્યાપક બનવવા સાથે નશીલા પદાર્થ વેચાણકર્તાની માહિતી પોલીસ વિભાગને આપવા જાહેર જનતાને અપીલ કરી, પોલીસ કમિશ્નરશ્રીએ માહિતી આપનારનું નામ ખાનગી રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો.
ખાસ કરીને યુવા છાત્રોને નશીલા પદાર્થોની ટેવથી બચાવવા શિક્ષકો આત્મીયતા કેળવી આ પ્રકારે કોઈ ડ્રગ્સનું વેચાણ કરતુ હોય તો તેઓની માહિતી મેળવી પોલીસ વિભાગ સાથે શેર કરે તે હિતાવહ હોવાનું જણાવી છાત્રોની વર્તુણક પર શિક્ષકો તેમજ પરિવારજનોએ ખાસ ધ્યાન રાખવા શ્રી બ્રજેશ કુમારે સૂચન કર્યું હતું.
આ તકે અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયાએ નવરાત્રી દરમ્યાન ગરબાના સ્થળોએ નાર્કોટિક્સ ડ્રગ્સ અંગે જનજાગૃતિ અભિયાન વેગવંતુ કરવા ખાસ સૂચન કર્યું હતું. વધુમાં તેઓએ પોસ્ટ તેમજ કુરિયરમાં આવતા પાર્સલ પર વોચ રાખવા, મેડિકલ સ્ટોરમાં નશાકારક પીણાં અંગે સમયાંતરે ડ્રાઈવ યોજવા પોલીસ વિભાગને સૂચના આપી હતી.
ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી. શ્રી જગદીશ બંગરવાએ એસ.ઓ.જી. તેમજ જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવેલી કામગીરીની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત તા. ૨૮ ઓગસ્ટથી આજ સુધીમાં ડ્રગ્સ સંબંધી એન.ડી.પી.એસ. ના કુલ ૩ કેસ કરવામાં આવ્યા છે, જેમાં સાત આરોપી વિરુદ્ધ કામગીરી કરવામાં આવી છે. તેમજ કોપટા એક્ટ હેઠળ શાળા કોલેજ આસપાસ તંબાકુ સંબંધી વેચાણ કર્તા વિરુદ્ધ ૧૪૭ જેટલા કેસ કરવામાં આવ્યા છે. શ્રી બંગરવાએ પોલીસ વિભાગ સહીત અન્ય સંસ્થા દ્વારા શાળા, કોલેજમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન અંતર્ગત કરવામાં આવેલ કામગીરીની માહિતી પુરી પાડી હતી.
ઉપરોક્ત બેઠકમાં ડી.સી.પી. ઝોન-૧ શ્રી હેતલ પટેલ, ડી.સી.પી. ઝોન-૨ શ્રી રાકેશ દેસાઈ, એ.સી.પી. ક્રાઈમ શ્રી ભરત બસિયા, એસ.ઓ.જી. પી.આઈ. શ્રી એસ.એમ. જાડેજા, નાયબ મામલતદાર સર્વે શ્રી અજીતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ગોહિલ સહીત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ, સમાજ સુરક્ષા વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ, મહાનગર તેમજ સિવિલ તબીબી વિભાગ, મનોચિકિત્સક વિભાગ, રિહેબિલિટેશન વિભાગ, કૃષિ, વન વિભાગ, તોલમાપ. સાઇન્ટિફિક વિભાગ સહિત કમિટીના અધિકારીશ્રીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સીટીના નોડલ અધિકારીશ્રીઓ જોડાયા હતાં.