ભરૂચમાં આવનાર મહોરમ પર્વની ઉજવણી ના અનુસંધાને ભરૂચ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા પોલીસ હેડ કવાર્ટરમાં આવેલ તાલીમ કેન્દ્ર ખાતે આજે મહોરમ (તાજીયા) પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભરૂચ ડિવાઈસપી સી. કે. પટેલની અધ્યક્ષતામાં વિવિધ સમુદાયોના અગ્રણીઓ, વિશેષત્વે મુસ્લિમ અને હિન્દુ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ મહોરમ પર્વ દરમ્યાન શહેરમાં શાંતિ, સહઅસ્તિત્વ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો. બેઠક દરમ્યાન તાજીયાના જુલૂસના માર્ગો, સમયપત્રક, વ્યવસ્થાપન અને ટ્રાફિક નિયંત્રણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.ભરૂચ ડીવાયએસપી સી. કે. પટેલે જણાવ્યું કે, “ભરૂચ શહેર એ શાંતિ અને સહઅસ્તિત્વનું પ્રતિક છે. મહોરમ દરમિયાન પણ બંને સમુદાયના લોકો ભાઈચારાપૂર્વક પર્વ ઉજવે તે માટે પોલીસ વિભાગ સજ્જ છે.”આ બેઠક દરમિયાન ભવિષ્યમાં મોરમ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેથી લોકોમાં સુરક્ષાની ભાવના ઉદ્દભવે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને રોકી શકાય.



