

દિપક પટેલ-ખેરગામ
સરકારી વિનયન, વાણિજય અને વિજ્ઞાન કૉલેજ, ખેરગામમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી(SSIP)અને સપ્તધારા અન્વયે સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અંતર્ગત આચાર્ય ડૉ.એસ.એમ.પટેલનાં માર્ગદર્શન હેઠળ “ખેરગામ કોલેજમાં વનસ્પતિશાસ્ત્ર(બોટની) વિષય સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે “એક દિવસીય પ્રશિક્ષણ કાર્યશાળા”નું આયોજન કરવામાં આવ્યું હતું.જે નિમિત્તે સરકારી વનસ્પતિ ઉદ્યાન રૂપવેલની મુલાકાત લીધી હતી. જેનો ઉદ્દેશ વિદ્યાર્થી વનસ્પતિ શાસ્ત્ર વિષય પ્રત્યે જાગૃત બંને અને વનસ્પતિ શાસ્ત્રનાં અભ્યાસ પ્રત્યે રસ રૂચી વધે તે હતો. આર્યુવેદ ડોકટર પ્રકાશચંદ્ર વૈધએ આચાર્ય ડૉ.એસ.એમ.પટેલ તેમજ પ્રા.બ્રિજલ પટેલ અને પ્રા.પાયલ પટેલ સહીત વિદ્યાર્થીઓને વનસ્પતિ શાસ્ત્રનાં કેટલાક પ્રાચીન અને અર્વાચીન પુસ્તકો વિશે માહિતગાર કર્યા એટલું જ નહિ દેશી બિયારણનું મહત્વ પણ સમજાવી તેના સંવર્ધન માટે યોગ્ય માર્ગદર્શન પણ પૂરૂ પાડવામાં આવ્યું હતું. તે સાથે ઔષધીય વનસ્પતિઓની ઓળખ, ઉપયોગિતા, મૂલ્યવર્ધન, વિવિધ પ્રાકૃતિક પીણાઓ, જુદી જુદી વનસ્પતિનાં દાંતણ સાથે સાથે ગરમાળા, ગુલમહોરના ફૂલોના મુરબ્બા જેવા અવનવા વિષયો પ્રત્યે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પણ પુરૂં પાડવામાં આવ્યું હતું.


