
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
મહારાષ્ટ્ર રાજ્યમાં તમાકુ ઉત્પાદનો,ગુટકા,પાન મસાલા વગેરે પર પ્રતિબંધ મુકાયો છે.ત્યારે ગુજરાતનાં રાજપીપળાથી નાસિક તરફ જતી એસટી બસમાં સવાર મુસાફર પાસેથી ચેકીંગ દરમ્યાન ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ સમગ્ર મામલો મહારાષ્ટ્રનાં સુરગાણા પોલીસ મથકે પહોંચ્યો હતો.મહારાષ્ટ્ર રાજ્યમાં 15મી ઓક્ટોબરથી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.ચૂંટણી પંચનાં આદર્શ આચાર સંહિતાનાં ભાગરૂપે મહારાષ્ટ્ર રાજ્યમાં માર્ગદર્શિકા મુજબ વિવિધ સ્થળોની ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવેલ છે.તેમજ ગુજરાતને જોડતા તમામ આંતર રાજ્ય ધોરીમાર્ગ પર પણ નાકાબંધી કરવામાં આવેલ છે. ત્યારે ગત તારીખ 17મી ઓક્ટોબરનાં સાંજનાં સુમારે ગુજરાત રાજ્યના રાજપીપળાથી નાસિક જતી એસટી બસ રજી. નં.GJ -18- Z-9816 જે મુસાફરો ભરી નાસિક તરફ જતી હતી. ત્યારે આચારસંહિતાને ધ્યાને રાખી નાસિક – વણી – સાપુતારા હાઇવે પર થાનાપાડા ચેક પોઇન્ટ પર સુરગાણા પોલીસની ટીમ દ્વારા એસટી બસનું ચેકિંગ હાથ ધરાયુ હતુ.ત્યારે એસટી બસમાં સવાર મુસાફર નિલેશ દત્તાત્રેય કોઠવડે (ઉ. વ.32, રહે. ગણેશ નગર, કળવણ, તા.કળવણ મહારાષ્ટ્ર ) પાસેથી થેલાઓમાં વિમલ પાન મસાલા, કરમચંદ, આર એમ ડી, પાન મસાલા,ગુટખા વગેરેનો જથ્થો મળી આવ્યો હતો.જોકે મહારાષ્ટ્ર રાજ્યમાં તમાકુ ઉત્પાદનો, ગુટકા, પાન મસાલા વગેરે પર પ્રતિબંધ છે.ત્યારે સુરગાણા પોલીસે ગુટખાનો 37,470/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ નિલેશ દત્તાત્રેય કોઠાવડેની અટકાયત કરવામાં આવી હતી.હાલમાં સુરગાણા પોલીસ મથકનાં પી.આઈ.રાહુલ મોરે,પી.એસ.આઈ.તુલસીરામ ચૌધરી, તથા પોલીસ કર્મીમાં પંડિત ખીરકાડે દ્વારા આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..





