ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જી.એમ.ડી.સી.ના લિગ્નાઇટ પ્રોજેકટ માટે વાલીયા ખાતે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જી.એમ.ડી.સી.ના લિગ્નાઇટ પ્રોજેકટ માટે વાલીયા ખાતે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી






સ્થાનિક આગેવાનો સહિત જન પ્રતિનિધિઓ દ્વારા એક સૂરમાં લોક સુનાવણીનો બહિષ્કાર કરવામાં આવ્યો
વાલિયા તાલુકાના સોડગામ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલકેટર ગૌરાંગ મકવાણા અને જી.પી.સી.બીના પ્રાદેશિક અધિકારી વી.ડી.રાખોડીયાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા જી.એમ.ડી.સી.ના લિગ્નાઇટ પ્રોજેકટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી.જેમાં ચોરઆમલા,ઈટકલા,રાજગઢ,સિંગલા,સોડગામ,ઉમરગામ,વાંદરિયા,વિઠ્ઠલગામ,ભરાડીયા, કેસરગામ,કોસમાડી, લુણા,સીનાડા, તુના,જબૂગામ,ભામાડીયા,ડહેલી,પીઠોર 18 ગામોનો સમાવેશ થયો હતો.આ લોક સુનાવણીમાં ધારાસભ્ય ચૈતર વસાવા,પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા,દિલીપ વસાવા અને અનિલ ભગત તેમજ શરલાબેન વસાવા, બળવંતસિંહ ગોહિલ સહિત અસરગ્રસ્ત ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા, લોક સુનાવણીમાં ઉપસ્થિત જન પ્રતિનિધિઓ અને સ્થાનિક અસરગ્રસ્ત આગેવાનોએ પોતાના વાંધાઓ રજૂ કરી વિરોધ નોંધાવ્યો હતો, ધારાસભ્ય ચૈતર વસાવા, દિલીપ વસાવા તેમજ વાલીયાના અસરગ્રસ્ત ખેડૂતો અને સ્થાનિક આગેવાનોએ એક સૂરમાં લોક સુનાવણી નો બહિષ્કાર કરી તમામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને પોતાની જમીનો કોઈપણ કિંમતે નહીં આપીએ તેમ જણાવ્યું હતું
*વાલીયા તાલુકાના લિગ્નાઇટ માઈનિંગ પ્રોજેક્ટનો ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો વિરોધ*
*18 ગામોના લિગ્નાઇટ માઈનિંગ પ્રોજેક્ટ મુદ્દે યોજાયેલ લોક સુનાવણીમાં ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાનો વિરોધ દર્શાવ્યો.*
*આસપાસના ગામોના હજારો લોકોએ પણ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મળીને વિરોધ કર્યો.*
*આ ખાણ ખનીજનો પ્રોજેક્ટ નથી, પરંતુ મોતનો કૂવો છે: ચૈતર વસાવા*
*આ પ્રોજેક્ટ આવવાથી વાલીયા તાલુકો, નેત્રંગ તાલુકો અને ઉમરપાડામાં પણ હજારો લોકો વિસ્થાપિત થશે: ચૈતર વસાવા*
*અમે ગોળી ખાવા માટે તૈયાર છીએ પરંતુ એક ઇંચ પણ જમીન આપવા માટે તૈયાર નથી: ચૈતર વસાવા*
*વિકાસ માટે લાખો આદિવાસીઓ વિસ્થાપિત થયા પરંતુ આદિવાસીઓના વિકાસના નામે મીંડું: ચૈતર વસાવા*
*રાજપાળીમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ લગાવવામાં આવ્યો છે, ત્યાં આજની તારીખમાં પણ લોકો ભૌતિક સુવિધા માટે વલખા મારી રહ્યા છે: ચૈતર વસાવા*
*આ પ્રોજેક્ટને જે સાંસદો, ધારાસભ્ય અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પ્રમુખો મંજૂરી આપી રહ્યા છે, આવા લોકોને ભવિષ્યમાં ઘરે બેસાડી દેજો એવી પણ સૌ લોકોને અપીલ કરું છું: ચૈતર વસાવા*
આજે 18 ગામોના હજારો હેક્ટર વિસ્તારમાં લિગ્નાઇટ માઈનિંગ પ્રોજેક્ટ શરૂ કરવા મુદ્દે ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના સોડ ગામ ખાતે લોક સુનાવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉપસ્થિત રહીને આ પ્રોજેક્ટનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. આ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે જીએમડીસીનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે તેની લોક સુનાવણી હતી. અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે અમે દેશ, રાજ્ય કે આ પ્રદેશના વિકાસના વિરોધી નથી. દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે, જીઆઇડીસીઓના નામે, રોડ રસ્તાના નામે, રેલવેના નામે અને બીજા અનેક કામોના નામે હજારોને નહીં પરંતુ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા. પછી જ્યારે આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મીંડું છે. જીએમડીસીનો રાજપાળીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ લગાવવામાં આવ્યો છે ત્યાં આજની તારીખમાં પણ લોકો ભૌતિક સુવિધા માટે વલખા મારી રહ્યા છે.
હવે આ પ્રોજેક્ટ આવવાથી વાલીયા તાલુકો, નેત્રંગ તાલુકો અને ઉમરપાડામાં પણ હજારો લોકો વિસ્થાપિત થશે. પર્યાવરણ, પાણી, જમીન પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, વન્યજીવ પ્રાણી અને માનવ વસ્તીને માટે આ પ્રોજેક્ટ ખૂબ જ મોટો હાનિકારક પ્રોજેક્ટ સાબિત થશે. અદાણી અંબાણી અને ટોરેન્ટના ઇશારે જે જીએમડીસી પ્રોજેક્ટ અહીંયા શરૂ કરવામાં આવી રહ્યો છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આ પ્રોજેક્ટને અમે કોઈપણ સંજોગોમાં સહમતિ આપતા નથી. આ અગાઉ તમામ ગ્રામ પંચાયતોએ આ મુદ્દે નામંજૂરીના ઠરાવ આપ્યા છે, તેમ છતાં જે લોકસુનાવણી રાખવામાં આવી છે તેનો અમે વિરોધ કરીએ છીએ. અહીંયા પેસા એક્ટ લાગુ છે અને અહીંયાના લોકોને યેનકેન પ્રકારે ખોટા દસ્તાવેજ રજુ કરાવીને પ્રોજેક્ટ લાવવાની કોશિશ કરવામાં આવશે તો આરપારની લડાઈ થશે. અમે ગોળી ખાવા માટે તૈયાર છીએ પરંતુ એક ઇંચ પણ જમીન આપવા માટે તૈયાર નથી.
આજે પણ અનેક ગામોના તમામ લોકોએ એક જ સુરે નામંજૂરીનો ઠરાવ પસાર કર્યો છે અને આ કાર્યક્રમનો અમે બહિષ્કાર કરીએ છીએ. અહીંયા કલેકટરે કહ્યું કે ત્યાંની 80 ટકા જમીનો વેચાયેલી છે તો અમે કલેકટરને કહેવા માંગીએ છીએ કે એ 73AAની જમીનો આદિવાસીઓની જમીનો હતી અને તમારો જેવા કેટલાક અધિકારીઓએ આઈએએસ-આઈપીએસ અધિકારીઓનાં કાળા નાણા અહીંયા રોકેલા છે, એ પણ આવનારા સમયમાં અમે ખાલી કરાવીશું અને તે જમીનોને મૂળ માલિકોને તે જમીનો અપાવીશું. આ પ્રોજેક્ટને રોકવા માટે અમે પક્ષ પાર્ટી સંપ્રદાય અને સંગઠનને ભૂલીને એક થઈને આ પ્રોજેક્ટને રોકીશું. અહીં ચૂંટાયેલા જે ધારાસભ્યો કે સાંસદોએ મંજૂરી આપી છે તે લોકો માટે હું કહીશ કે જનતા આવા લોકોને ઓળખે, આ લોકો તમારા મોતના કુવાની મંજૂરી આપી રહ્યા છે, આ ખાણ ખનીજનો પ્રોગ્રામ નથી, પરંતુ મોતનો કૂવો છે. આ બધામાં મુખ્ય જવાબદાર લોકો અહીંના ચૂંટાયેલા ધારાસભ્યો, સાંસદો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખો છે અને આવા લોકોને ભવિષ્યમાં ઘરે બેસાડી દેજો એવી પણ સૌ લોકોને અપીલ કરું છું.
ઈરફાનખત્રી
રાજપારડી



