
તા.૧/૩/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
શ્રમિકોના પરિશ્રમ અને યોગદાનથી જ રાજ્યનો વિકાસ શક્ય બન્યો છે: શ્રમિકોની કાળજી રાખવી એ આપણી સામૂહિક જવાબદારી: શ્રમ, રોજગાર મંત્રી
Rajkot: શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને સુરત સરકીટ હાઉસ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગની કામગીરીની સમીક્ષા કરી મંત્રીશ્રીએ વિભાગીય કામગીરી વધુ અસરકારક થાય એના માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રોજગાર માટે વિવિધ રાજ્યોમાંથી રોજી રોટી માટે આવેલા શ્રમિકોના કારણે સુરત અને વલસાડ જિલ્લામાં શ્રમિકો બહોળા પ્રમાણમાં વિવિધ એકમોમાં કાર્યરત છે. જેથી સંબંધિત અધિકારીઓ પાસે શ્રમિકોના ડેટા અને રોજગારલક્ષી વિગતો હોવી અત્યંત જરૂરી છે.
તેમણે જણાવ્યું કે, શ્રમિકોના પરિશ્રમ અને યોગદાનથી જ રાજ્યનો વિકાસ શક્ય બન્યો છે, ત્યારે તેમની કાળજી રાખવી એ આપણી સામૂહિક જવાબદારી છે. વસ્તી વધતા રોજગારીની માંગ સતત વધી રહી છે, તેથી દરેક શ્રમિકના હિતોનું રક્ષણ સુનિશ્ચિત કરવું આપણું કર્તવ્ય છે. લેબર પરિવારોની દેખરેખ રાખવી આપણી નૈતિક અને સામાજિક જવાબદારી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, દરેક અધિકારી પોતાની જવાબદારીને બખૂબી નિભાવશે તો જ યોગ્ય પરિણામ મળશે. કેટલીક આઈટીઆઈ સંસ્થાઓમાં કાર્યપદ્ધતિ પરંપરાગત રીતે ચાલી રહી છે, પરંતુ હવે સમય મુજબ નવી ટેકનોલોજી અપનાવી, નવીન પ્રયાસો સાથે કામગીરી કરવાની જરૂર છે.
તેમણે વધુમાં કહ્યું કે, બદલાતા સમયમાં જેમ પરિવર્તન આવ્યું છે તેમ કામગીરીમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. પ્રમાણિકતા અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાથી તેનું ફળ અવશ્ય મળે છે.
આ બેઠકમાં શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ સહિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.








