આધ્યાત્મિક શાંતિનો સંદેશ: શહેરામાં બ્રહ્માકુમારીઝના ‘બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ’ પ્રોજેક્ટનો શુભારંભ
ગુજરાતમાં ૬૦ વર્ષની આધ્યાત્મિક સેવાની ઉજવણી નિમિત્તે વિશ્વ શાંતિ માટે ૧૦૦ કરોડ મિનિટ શાંતિદાન એકત્ર કરવાનો લક્ષ્યાંક

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા (પંચમહાલ): બ્રહ્માકુમારીઝ દ્વારા ગુજરાતમાં આધ્યાત્મિક સેવાના ૬૦ વર્ષ પૂરા થતા હોઈ, વર્ષ ૨૦૨૫ ને ‘ડાયમંડ જુબેલી વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે વિશ્વ શાંતિ માટેનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ “બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ” નો શહેરાના સ્થાનિક સેવા કેન્દ્ર ખાતેથી ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૧૦૦ કરોડ વિશ્વ શાંતિદાનની મિનિટ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
શાંતિ માટે મેડિટેશન અને પ્રાર્થનાનો અનુરોધ:
પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના બ્રહ્માકુમારી રાજયોગીની સુરેખા દીદીએ આ પ્રસંગે અનુરોધ કર્યો હતો કે, દુનિયા આજે યુદ્ધ, ગૃહ યુદ્ધ અને પરમાણુ યુદ્ધની કગાર પર છે. આવા સમયમાં દરેક પરિવાર, સમાજ અને રાષ્ટ્રમાંથી અશાંતિ દૂર કરવા માટે આપણે સૌ એક પ્રભુ પિતાના સંતાનોએ મેડિટેશન અને પ્રાર્થનાનો જ આધાર લેવો પડશે.
સુરેખા દીદીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત સમાજની દરેક વ્યક્તિએ પોતાના દૈનિક જીવનમાં દરરોજ કમ સે કમ પાંચ મિનિટ એક સ્થળ પર બેસીને વિશ્વ શાંતિ માટે મેડિટેશન/પ્રાર્થના કરવાની રહેશે. આ વિશ્વ શાંતિ માટેની પ્રાર્થના ૨૪ ઓક્ટોબરથી ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી કરવાની રહેશે.
સામૂહિક સહભાગીતાનો સંકલ્પ:
બ્રહ્માકુમારીઝ શહેરાના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી રાજયોગીની રતન દીદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રોજેક્ટ દ્વારા આપણે સૌ સમયના શાંતિદૂત બનીને વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે નિમિત બની રહ્યા છીએ. ૧૦૦ કરોડ શાંતિ દાનની મિનિટ એકત્ર કરવાના લક્ષ્ય માટે ગુજરાતની વિભિન્ન શૈક્ષણિક, સામાજિક, યુવા, મહિલા સંસ્થાઓ, સિનિયર સિટીઝન ગૃપ, સરકારી કાર્યાલયો, કોર્પોરેટ કંપનીઓ, ફેક્ટરીઓ, ઇન્ડસ્ટ્રીઝ અને તમામ નાગરિકોને સહભાગી બનાવવામાં આવશે. એકત્રિત થયેલ કરોડો મિનિટ શાંતિના દાનનો રિપોર્ટ સબમિટ કરવામાં આવશે.
રતન દીદીએ સૌ ભાઈ-બહેનોને આ પ્રોજેક્ટમાં યોગદાન આપવા વિનંતી કરી હતી. શાંતિ/પ્રાર્થનાની મિનિટ નજીકના બ્રહ્માકુમારી સેવાકેન્દ્ર પર જમા કરાવીને ઈશ્વરીય સેવામાં સહયોગી બની શકાય છે.
મહાનુભાવોની ઉપસ્થિતિ:
આ શુભારંભ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. અશ્વિનભાઈ રાઠોડ, મુખ્ય સેવિકા મધુબેન પટેલ, અને ગ્રામીણ બેંકના મેનેજર કમલેશભાઈ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વક્તવ્ય રજૂ કરીને વધુમાં વધુ ભાઈઓ અને બહેનોને આ શુભ કાર્યક્રમમાં જોડાઈને સહકાર આપવા અનુરોધ કર્યો હતો. બી.કે. રતન દીદી, બી.કે. જયા દીદી અને બી.કે. હિના દીદી સહિત કેન્દ્રની બહેનો દ્વારા કાર્યક્રમની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.






