રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ચીખલી ના રૂમલા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*કૃષિ સખી, કિસાન મિત્રો તેમજ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરતા રાજ્યપાલશ્રી*
*રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેત પેદાશ અને વિવિધ વિભાગના ૨૨ સ્ટોલ્સની મુલાકાત લીધી*
*પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો સમાવેશ કરતું “નૈસર્ગીક નવસારીની પ્રેરક સાફલ્ય ગાથા” પુસ્તકનું રાજ્યપાલશ્રીના હસ્તે વિમોચન કરાયું*
*સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ લેવડાવી આવનારી પેઢીને ઉપજાઉ ધરતીની ભેટ આપવા રાજ્યપાલશ્રીએ આહવાન કર્યું*
*ધરતી માતાને પુનઃ જીવિત કરવા અને ભૂગર્ભ જળના સ્તર બચાવવા માટે હવે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ* આચાર્ય દેવવ્રત જી
*-રાસાયણિક ખેતીમાં ખર્ચ વધુ અને પાણીનો વેડફાટ થાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ શૂન્ય અને ખેડૂતની સમૃદ્ધિ નિશ્ચિત*
*-આજે ગ્લોબલ વોર્મિંગના કારણે અસહ્ય ગરમીનું પ્રમાણ વધી રહયું છે, જે માટે રાસાયણિક ખેતી પણ જવાબદાર છે*
*-ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને જન આંદોલન બનાવવાનું અભિયાન વેગવંતું બન્યું, રાજ્યમાં હાલ ૮ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે*
*-રાસાયણિક ઝેર હવે માત્ર ખેતર પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તે માતાના દૂધ અને ભૂગર્ભ જળમાં પણ ભળી ગયું છે, જે કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું મૂળ કારણ બની રહ્યું છે*
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજથી બે દિવસીય નવસારી જિલ્લાના મહેમાન બન્યા છે ત્યારે ચીખલી તાલુકાના રૂમલા ગામમાં તેમના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધી પ્રાકૃતિક ખેતીના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજે ગ્લોબલ વોર્મિંગના કારણે અસહ્ય ગરમીનું પ્રમાણ વધી રહયું છે. જે માટે રાસાયણિક ખેતી પણ જવાબદાર છે. ડીએપી અને યુરિયામાં નાઇટ્રોજન હોય છે અને હવામાં ઓક્સિજન હોય છે. આ બંને મળવાથી નાઇટ્રેસ ઓક્સાઇડ પેદા થાય છે જે વાતાવરણ માટે ખૂબ જ ભયાનક છે. જે કાર્બન ડાયોક્સાઇડ કરતા ૩૧૨ ઘણું વધુ નુકશાનકારક છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના છંટકાવથી ગરમી વધી, બીમારી વધી અને પર્યાવરણને નુકશાન થઈ રહ્યું છે.
રાજ્યપાલશ્રીએ પોતાનું જ દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે, પહેલા હું પણ રાસાયણિક ખાતરથી ખેતી કરતો હતો પરંતુ જ્યારે મને ખબર પડી કે, મારી જમીન વેરાન બની રહી છે, પાણીનો વધુ વપરાશ થઇ રહ્યો છે અને ઉત્પાદન વધુ ન મળતા આખરે ૨૦૦ એકર જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. રાસાયણિક ખેતીની સરખામણીએ આમાં ખર્ચ નહિવત છે અને પાણીનો વપરાશ પણ ૫૦ ટકા જેટલો ઓછો થાય છે. તેમણે ખેડૂતોને પ્રોત્સાહિત કરતા આગ્રહ કર્યો કે, શરૂઆતમાં ભલે આખા ખેતરમાં નહીં, પણ માત્ર એક એકરના એક ખૂણેથી પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કરો અને તેના સકારાત્મક પરિણામો જોઈને ધીમે-ધીમે તેનો વિસ્તાર વધારો.
રાજ્યપાલશ્રીએ વધુમાં ગર્વભેર જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર રાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને જન આંદોલન બનાવવાનું અભિયાન વેગવંતું બન્યું છે, રાજ્યમાં હાલ ૮ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. વડાપ્રધાનશ્રી એ પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન બનાવી આખા દેશમાં લાગુ કર્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ખેડૂતો અને નાગરિકોને ઝેરમુક્ત આહાર પૂરો પાડી સ્વસ્થ રાખવાનો છે. રાસાયણિક ખેતીને કારણે વેરાન થઈ રહેલી આપણી ધરતી માતાને પુનઃ જીવિત કરવા અને ભૂગર્ભ જળના સ્તર બચાવવા માટે હવે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. પ્રાકૃતિક ખેતીથી વિકસિત ભારતનું પ્રધાનશ્રીનું સપનું સાકાર થશે.
રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો અંગે જણાવતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, યુરિયા, ડીએપી અને ઝેરી જંતુનાશકોના અતિશય વપરાશથી જમીનના મિત્ર ગણાતા અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામ્યા છે. આ રાસાયણિક ઝેર હવે માત્ર ખેતર પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તે માતાના દૂધ અને ભૂગર્ભ જળમાં પણ ભળી ગયું છે, જે કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું મૂળ કારણ બની રહ્યું છે. જો આ પદ્ધતિ ચાલુ રહેશે, તો ભવિષ્યમાં જમીન કઠોર અને વેરાન થઈ જશે.
પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવવા તેમણે દરેક ખેડૂતને પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ લેવડાવી આ ઇશ્વરિય કાર્ય તરફ આગળ વધી આવનારી પેઢીને ઉપજાઉ ધરતીની ભેટ આપવા આહવાન કર્યું હતું. જેથી આવનારી પેઢી તમને નમન કરશે એવી આશા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત અને આચ્છાદન જેવી પદ્ધતિઓ અપનાવવાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે. અળસિયા દ્વારા થતું કુદરતી ‘વોટર હાર્વેસ્ટિંગ’ જમીનને પોચી બનાવી તેની ભેજ સંગ્રહશક્તિમાં નોંધપાત્ર વધારો કરે છે, જેનાથી ઉત્પાદન પણ ઉત્તરોત્તર વધતું જાય છે. જો ઈમાનદારીપૂર્વક પ્રાકૃતિક ખેતીના પાંચ આયામનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી કરશો તો આવક વધશે અને જમીન પણ ફળદ્રુપ બનશે. આ માર્ગ અપનાવીને જ આપણે આવનારી પેઢીને ઝેરમુક્ત પર્યાવરણ, ફળદ્રુપ જમીન અને નિરોગી જીવનનો વારસો આપી શકીશું.
જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સહિત મંચસ્થ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરતા જણાવ્યું કે, આત્મા પ્રોજેક્ટ, કૃષિ વિભાગના અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતોના સહિયારા પ્રયાસોથી જ પ્રાકૃતિક ખેતીનો સંદેશ જન-જન સુધી પહોંચી રહ્યો છે. જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય પાલન પોષણ યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ માં ૮૧૧ ખેડૂતોને રૂ.૭૯.૭૫ લાખ સહાય આપવામાં આવી છે.
કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલશ્રીનું ગાર્ડ ઓફ ઓનર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રીએ વારલી પાઈન્ટિંગથી રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિમાં આત્મા વિભાગની જુદી જુદી યોજનાઓ તેમજ સરકારની અન્ય જનકલ્યાણકારી યોજનાઓ અને પ્રાકૃતિક ખેત પેદાશના ૨૨ સ્ટોલની રાજ્યપાલશ્રીએ મુલાકાત કરી સ્ટોલ ધારકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. પ્રગતિશીલ ૦૬ ખેડૂતોનું રાજ્યપાલશ્રીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો સમાવેશ કરતું “નૈસર્ગીક નવસારીની પ્રેરક સાફલ્ય ગાથા” પુસ્તકનું રાજ્યપાલશ્રીના હસ્તે વિમોચન કરાયું હતું. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાની સાફલ્ય ગાથા વર્ણવી હતી. આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાએ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, ચીખલીના પ્રાંત અધિકારી મિતેશ પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સતિષ ઢીમ્મર, જિલ્લા ખેતીવાડી અધિકારી અતુલ ગજેરા, વાંસદાના પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.







