શહેરાની સરકારી વિનયન કૉલેજમાં “સાહિત્ય દ્વારા સમાજ જાગરણ” વિષય પર વર્કશોપ યોજાયો
શહેરા, પંચમહાલ:
નિલેશભાઈ દરજી
શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કૉલેજમાં સપ્તધારાની જ્ઞાનધારા અંતર્ગત “સાહિત્ય દ્વારા સમાજ જાગરણ” વિષય પર એક ભવ્ય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો પ્રારંભ દીપપ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સાહિત્યના માધ્યમથી સમાજમાં જાગૃતિ લાવવાનો હતો.
આ કાર્યક્રમમાં બે વિદ્વાન વક્તાઓએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. પ્રથમ વક્તા તરીકે બાલાસિનોરની આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજના ડૉ. એમ.સી. દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હિન્દી સાહિત્ય દ્વારા કઈ રીતે સમાજ જાગરણનું કાર્ય થઈ શકે છે તે અંગે વિસ્તૃત સમજૂતી આપી હતી.
દ્વિતીય વક્તા તરીકે મુનપુરની સી.આર. ગાર્ડી આર્ટ્સ કૉલેજના ડૉ. પરેશભાઈ પારેખએ સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય દ્વારા સમાજ જાગરણના કાર્યો અને તેમાં કેવા પ્રયોગો કરી શકાય તે વિશે વિવિધ સંદર્ભો આપીને સમજાવ્યું હતું. બંને વ્યાખ્યાનોમાં વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો, જે તેમની ઉત્સુકતા અને શીખવાની ધગશ દર્શાવે છે. કુલ ૧૭૦ જેટલા વિદ્યાર્થીઓ આ વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સફળ વર્કશોપનું આયોજન કૉલેજના આચાર્ય ડૉ. જયશ્રીબેન જોષીના માર્ગદર્શન હેઠળ સપ્તધારા-જ્ઞાનધારાના કો-ઓર્ડિનેટર ડૉ. શૈલેષ રાઉલજીએ કર્યું હતું. આ પ્રસંગે કૉલેજના આચાર્યશ્રી સહિત પ્રાધ્યાપકશ્રી ડૉ. વિમલભાઈ માછી, ડૉ. રાહુલભાઈ ત્રિવેદી, અને ડૉ. જયેશભાઈ વરીયા પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો.
અંતે, અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક ડૉ. વિરલભાઈ માછીએ આભારવિધિ સંપન્ન કરી હતી. કાર્યક્રમનું સમાપન કલ્યાણમંત્રના સામૂહિક ગાન સાથે કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ વિદ્યાર્થીઓને સાહિત્યના માધ્યમથી સામાજિક જવાબદારીઓ સમજવામાં મદદરૂપ થયો.