GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ચાલતા પ્રાકૃતિક કૃષિ હાટમાં નવો આયામ ઉમેરાયો

જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ચાલતા પ્રાકૃતિક કૃષિ હાટમાં નવો આયામ ઉમેરાયો

જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આશરે એક વર્ષ પૂર્વે શરૂ થયેલા પ્રાકૃતિક કૃષિ હાટમાં એક નવો આયામ ઉમેરાયો છે, જિલ્લા વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટની કચેરીની પહેલથી આ હાટ વધુ સુંદર અને સુવ્યવસ્થિત બન્યું છે.છેલ્લા એક વર્ષથી અહીં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પકવેલા શાકભાજી સહિતની ચીજ વસ્તુઓના વેચાણ માટે આવતા ખેડૂતોને ફોલ્ડિંગ ટેન્ટ સ્ટોલ અર્પણ કરવામાં આવ્યા હતાં. આ નવીનતા પામેલા હાટને જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ ખુલ્લુ મુક્યુ હતું. આ સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ આ પ્રાકૃતિક કૃષિના સ્ટોલ ધારક ખેડૂતો સાથે પણ સંવાદ કરી તેમના અનુભવો -અભિપ્રાયો જાણ્યાં હતા, ઉપરાંત પ્રાકૃતિક કૃષિ હાટમાં ખરીદી અર્થે આવતા ગ્રાહકો સાથે પણ વાતચીત કરી તેમના પ્રતિભાવો મેળવ્યા હતા.જિલ્લા સેવાસદન ખાતે દર ગુરુવારે પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ કરવા માટે આવતા ખેડૂતોને ફોલ્ડિંગ ટેન્ટ સ્ટોલ મળતા આનંદની લાગણી પણ વ્યાપી ગઈ હતી.જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે એક વર્ષ પૂર્વે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એક પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું. આ કચેરીના પ્રાંગણમાં જ ખેડૂતો પોતાના ઉત્પાદનો લાવી વેચી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. ત્યારે તેમાં વધુ એક પગલું આગળ વધી ખેડૂતોને આ વિશેષ સ્ટોલ અર્પણ કરવામાં આવ્યા છે. જેથી આ હાટ વધુ સુવ્યવસ્થિત બનતા ખેડૂતો આત્માગૌરવ સાથે વેચાણ કરી શકશે. ઉપરાંત સ્ટોલના માધ્યમથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશેની પણ માહિતી મળી રહે છે. આ પાછળનો આશય એ છે કે, પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને મહત્તમ લાભ પ્રાપ્ત થાય તે માટે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોનો પ્રચાર પ્રચાર અને બ્રાન્ડિંગ થાય.તેમણે ઉમેર્યું કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં જ્યારે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લો પણ એમાં પાછળ નથી. આજે જૂનાગઢ જિલ્લામાં લગભગ ૨૧૦૦૦થી પણ વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે.એકાદ વર્ષથી પ્રાકૃતિક હાટમાં પોતાના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ અર્થે આવતા ખેડૂત શ્રી રમેશભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે, આ ફોલ્ડિંગ ટેન્ટ સ્ટોલ મળતા અમારા ઉત્સાહમાં વધારો થયો છે, જેથી આ હાટ આકર્ષક બનવાની સાથે અહીં વસ્તુઓને પણ સુવ્યવસ્થિત રીતે રાખી શકીશું. તેમણે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારની સાથે વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ કર્મચારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી. પટેલ, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી દિપક રાઠોડ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જીગર ભટ્ટ, જિલ્લા ખેતીવાડી કચેરીના શ્રી ગોંડલીયા, આત્મા પ્રોજેક્ટના શ્રી સંદીપ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!