
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ:તા.૯: ડાંગ જિલ્લામાં તારીખ ૧૦/૪/૨૦૨ ના રોજ મહાવીર જયંતી, તારીખ ૧૨/૪/૨૦૨૫ ના રોજ હનુમાન જયંતી, તારીખ ૧૪/૪/૨૦૨૫ ના રોજ ડો.બાબાસાહેબ આંબેડકર જયંતી, તેમજ તારીખ ૧૮/૪/૨૦૨૫ ના રોજ ગુડ ફ્રાયડેના તહેવાર તથા અન્ય તહેવારોની ઉજવણી થનાર છે. આ તહેવારો દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે સમગ્ર જિલ્લામાં ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ- ૧૬૩ મુજબ અનઅધિકૃત રીતની સભા/સરઘસ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એસ.ડી. તબીયાર દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ -૧૬૩ થી ઉપલબ્ધ જોગવાઇઓ અન્વયે, ડાંગ જિલ્લામા તા ૦૯ એપ્રિલ થી ૨૨ એપ્રિલ ૨૦૨૫ સુધી અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે કોઈ પણ સભા કરવી કે બોલાવવી, સરઘસ કાઢવુ કે દેખાવ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ ફરજ પરના સરકારી નોકરી અથવા રોજગારમા હોય તેવી વ્યક્તિઓ, કોઇ લગ્નનો વરઘોડો, સ્મશાન યાત્રા, મંદિર, મસ્જિદ અથવા દેવળમા પ્રાર્થના કરવા જતા બોનોફાઇડ વ્યક્તિઓ, અને કલેક્ટર કચેરી દ્વારા ખાસ કિસ્સામાં જેમને પરવાનગી આપવામા આવી હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહી.
આ જાહેરનામું આગામી તા. ૨૨/૪/૨૦૨૫ ના કલાક ૨૪.૦૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ની કલમ–૨૨૩ અનુસાર સજાને પાત્ર ઠરશે. આ માટે ડાંગ જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ થી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુધીના તમામ અધિકારીઓને, આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.



