અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
શામળાજી સુપ્રસિદ્ધ યાત્રાધામમાં એટીએમ કાપી રૂ. ૫.૫૦ લાખની ચોરી,સુરક્ષા વ્યવસ્થાઓ પર ઊભા થયા અનેક પ્રશ્નો
અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં એક ગંભીર ચોરીની ઘટના સામે આવી છે. બસ સ્ટેશન નજીક આવેલી ખાનગી કંપનીના એટીએમમાં ગત રાત્રે પાંચ શખ્સોએ ચોરી કરી ૫.૫૦ લાખની રોકડ રકમની ચોરી કરી લીધા હોવાની માહિતી મળી છે. સમગ્ર ઘટનાએ યાત્રાધામની સુરક્ષા વ્યવસ્થાઓ પર અનેક સવાલો ઉભા કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ચોરો અર્ટિગા કારમાં આવી સાજીશપૂર્વક ઘટના અંજામ આપી હતી. તેઓએ એટીએમ કટરથી કાપી, અંદરની રોકડ ઉપાડી હતી. ચોરી પહેલા સીસીટીવી કેમેરા પર સ્પ્રે મારીને ચહેરા છુપાવ્યા હતા અને પાછળથી એટીએમને આગ લગાડી નાંખી હતી જેથી પુરાવા ન બચે.ચોરી વખતે એટીએમ પર કોઈ ચોકીદાર હાજર ન હોવાનું પોલીસને મળેલી પ્રાથમિક માહિતી પરથી સામે આવ્યું છે. સામાન્ય રીતે યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ શામળાજીમાં લાખો યાત્રાળુઓ વર્ષ દરમિયાન દર્શનાર્થે આવે છે, ત્યારે આવા વિસ્તારોમાં સુરક્ષાની ગંભીર ઉણપ ચિંતાજનક ગણાઈ રહી છે.શામળાજી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. ચોરોની કાર સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હોવાના આધારે પોલીસ તપાસના ચક્રો ગતિમાં મૂક્યા છે. સાથે જ ફોરેન્સિક (એફએસએલ) ટીમને પણ ઘટના સ્થળે બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.સ્થાનિક નાગરિકોએ અને યાત્રાળુઓએ પણ એવું માંગણું કર્યું છે કે શામળાજી જેવા ધાર્મિક સ્થળે સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક બનવી જોઈએ અને આવા કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને સંડોવાયેલા તત્વોને કાનૂની શિખામણ આપવી જોઈએ.