
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે દેડિયાપાડા સરકારી કોલેજ ખાતે વાલી મિટીંગ યોજાઈ
તાહિર મેમણ – ડેડીયાપાડા- 05/01/2026 – ડેડીયાપાડા – હાલમાં ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગમાં ભરતી પ્રક્રિયા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં યુવક-યુવતીઓ મોટી સંખ્યામાં તૈયારી કરી રહ્યા છે. દેડિયાપાડા–ચીકદા તાલુકા કર્મચારી આદિવાસી લોકકલ્યાણ ગ્રુપ દ્વારા PSI, પોલીસ કોન્સ્ટેબલ સહિત વિવિધ ૮ કેડરની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે દેડિયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે વાલી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વાલી મિટીંગમાં વિદ્યાર્થીઓની પરીક્ષા તૈયારીની સ્થિતિ, અભ્યાસક્રમ, શિસ્ત, નિયમિત અભ્યાસ તેમજ સમય વ્યવસ્થાપન અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓની સફળતા માટે વાલીઓનો સહકાર અત્યંત મહત્વનો હોવાનું ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું.
આ કર્મચારી ગ્રુપ દ્વારા હાલ આદિવાસી સમાજના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને અનુભવી ફેકલ્ટી દ્વારા કોચિંગ આપવામાં આવી રહ્યું છે. આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ સઘન તૈયારી કરાવવામાં આવશે.
આ પ્રસંગે દેડિયાપાડા–ચીકદા તાલુકાના વિવિધ વિભાગોના કર્મચારીઓ સામાજિક જવાબદારીના ભાવ સાથે એક મંચ પર આવી આદિવાસી સમાજના બાળકોને આગળ વધારવા માટે ભગીરથ પ્રયાસ હાથ ધર્યો હોવાનું જણાવ્યું હતું. સમાજના બાળકોને યોગ્ય માર્ગદર્શન અને સકારાત્મક દિશા આપવાના ઉદ્દેશ્ય સાથે આ પહેલ શરૂ કરવામાં આવી છે. મિટીંગમાં કર્મચારીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



