NARMADATILAKWADA

જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ દત્તક લેવાયેલા સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત વ્યાધર પ્રાથમિક શાળા ખાતે બેઠક યોજી

*તિલકવાડાના વ્યાધર ગામે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ દત્તક લેવાયેલા સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત પ્રાથમિક શાળા ખાતે જિલ્લા-તાલુકાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી*
———-
*આંગણવાડીના ભૂલકાઓના ભવિષ્ય અંગે જિલ્લા કલેકટરશ્રીએ ઊંડો રસ દાખવ્યો : નાસ્તો-પોષણ-બેઠક વ્યવસ્થા અંગે સ્થળ પર જઈને સૂચના આપી “નંદઘર જેવો માહોલ ઊભો કરો”*
———-
રાજપીપળા, ગુરૂવાર :- નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વ્યાધર ગામને રાજ્ય સભાના સાંસદશ્રી અને કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી એસ. જયશંકર દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. ગ્રામીણ ક્ષેત્રમાં રોડ-રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, આંગણવાડી, શાળા જેવી પ્રાથમિક-ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે ગામને દત્તક લેવામાં આવે છે. જેથી ગ્રામીણ લોકો માટે સુખ-સુવિધા વધે, માનવ સૂચકાંક ઊંચો લઈ જવા માટે આ કવાયત હાથ ધરવામાં આવે છે. કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અમલી યોજનાઓનો ઉપયોગ કરીને તથા ખૂટતી કડી તરીકે ફંડ ફાળવીને ગ્રામ વિકાસને એક પ્રગતિના પથ પર લઈ જવા માટે ગામને દત્તક લેવામાં આવે છે.

જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ ગઈકાલે સાંજે ૪:૦૦ કલાકે વ્યાધર ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી. વ્યાધર ગામની પ્રાથમિક શાળા ખાતે જિલ્લા-તાલુકાના આમલીકરણ અધિકારીશ્રીઓ તથા ફિલ્ડના કર્મચારીઓ સાથે બેઠક યોજીને આદર્શ ગામ અંગે ખૂટતી કડીઓ ઉમેરવા જેવી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા તથા આંગણવાડીના જૂના મકાન તોડીને આ મકાનના સ્થળે નવા મકાન તૈયાર કરવાની દરખાસ્ત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કમ્યુનિટી હોલ, પ્રોટેકશન વોલ, પીવાના પાણી અંગેની માઇક્રો ઇન્ફોર્મેશન મેળવી હતી. એક આદર્શ ગામમાં ભૌતિક સુવિધા ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરવા ઉપર કલેક્ટરશ્રીએ ખાસ ભાર મૂક્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રીએ આંગણવાડીના બાળકો-ભૂલકાંઓના ભવિષ્યની ચિંતા કરીને બાળકોને પૌષ્ટિક આહાર, રમવા-બેસવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવી બાળકોને નાસ્તો અને ધાત્રી માતાઓને ટિફિન સેવા પહોંચાડીને પોષણયુક્ત આહાર ખવડાવવા ઉપર ભાર મૂક્યો હતો.

આ આદર્શ ગામની મુલાકાત દરમિયાન અમૃત સરોવરની પણ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ઝાડી ઝાંખરા કટીંગ તથા તળાવ ઊંડું કરવાની કામગીરી સાથે બ્યુટીફિકેશન કરવા અને ધ્વજ પોલને રંગ કરવા જેવી બાબતો અંગે સ્થાનિક અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. આગામી સમયમાં મંત્રીશ્રી આ ગામની મુલાકાત કરે ત્યારે ગામની તમામ વિગતો અપડેટ રાખવા તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીને માર્ગદર્શન પુરૂં પાડી જરૂરી સૂચનાઓ આપી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીની વ્યાધર ગામની આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને ઈન્ચાર્જ પ્રાંત અધિકારી સુશ્રી જિજ્ઞાબેન દલાલ, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઈ મછાર, માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ના ઈજનેરશ્રી હેમંત વસાવા, વ્યાધર ગામના સરપંચશ્રી ગૌતમભાઈ તડવી, તિલકવાડા તાલુકા મામલતદારશ્રી પ્રતિક સંગાડા, તિલકવાડા તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી.જી.જાસોલિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, ગામના તલાટી કમ મંત્રીશ્રી, શાળાના શિક્ષકોશ્રીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, ગામલોકો સાથે વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦૦૦

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!