GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કુમળા બાળના કોમળ હૃદયના ધબકારને ગતિશીલ કરતી પ્રગતિશીલ સારવાર

તા.૨૦/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આર.બી.એસ.કે. ની નિઃશુલ્ક આરોગ્ય સેવા : ધોરાજીના એક વર્ષના બાળ યુવરાજની જન્મજાત હૃદયની ખામી દૂર કરાઇ

વર્ષ ૨૦૨૪ માં હૃદયની બિમારીવાળા ૧૧૬ બાળકોને અપાઈ સુપર સ્‍પેશ્‍યાલીસ્‍ટ સારવાર

Rajkot: બાળકના જન્મ સાથે કોઈપણ પરિવાર તેના ભવિષ્યને લઈને અનેક સપનાઓ સેવતા હોય છે. જયારે બાળક તંદુરસ્ત હોય ત્યારે અનેક ગણી ખુશીઓ પરિવારમાં છવાઈ જાય. પરંતુ જો બાળકને કોઈ ખામી હોય તો શું કરવું? તેની ચિંતા પણ તેટલી જ સતાવે. આવા પરિવારની ચિંતામાં સરકાર પણ હરહંમેશ સહભાગી બની પરિવારજનોની મુશ્કેલી સરળતાથી દૂર કેમ થાય, તે માટે સતત પ્રયત્નશીલ રહી છે.

ગુજરાત સરકારના બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની પણ આ જ ભૂમિકા રહી છે. દરેક બાળ તંદુરસ્ત રહે તે માટે “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” હેઠળ ઘેર-ઘેર જઈ જઈ દરેક બાળકની આરોગ્યની તપાસ સાથે તેની ફિટનેસ ટેસ્ટ કરે છે. જેના પરિણામે બાળકનું સ્વાસ્થ્ય કાર્ડ નક્કી થતું હોય છે. આ કાર્યક્રમના પરિણામે અનેક નાદુરસ્ત બાળકોને નવજીવન મળ્યું છે. જેનો તાજેતરમાં એક કિસ્સો જોવા મળ્યો છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સામાન્ય પરીવારમાં બાળક યુવરાજનો જન્મ ગત વર્ષે બીજી માર્ચના રોજ થયેલો. તેના પિતા બીપીનકુમાર ચોટલીયા મજુરીકામ કરી પરિવારનો ગુજારો કરે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગત તા. ૦૫.૦૬.૨૪ ના રોજ ધોરાજીની આર.બી.એસ.કે ટીમના ડો.કુલદીપ મેતા અને ડો.ધ્રુવી માતરિયાએ ધોરાજીની આંગણવાડી કેન્દ્રની મુલાકાત સમયે યુવરાજના સ્વાસ્થનું સ્ક્રિનિંગ કર્યું હતું. આ તકે બાળ યુવરાજને હૃદયની કોઈ ખામી હોવાનું જણાયું હતું. તેની સઘન ચકાસણી માટે DEIC સિવીલ હોસ્પિટલ રાજકોટ ખાતે તપાસ કરવા જણાવ્યું. જ્યાં તેમને હદયની ખામી હોવાનું નિદાન થયુ અને વધુ સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલ- અમદાવાદ ખાતે જવા જણાવ્યું હતું.

આ વાત સાંભળી યુવરાજના માતા-પિતા નિરાશ અને દુઃખી થઇ ગયેલા. જેમને સધિયારો આપતાં આર.બી.એસ.કે. ટીમ અને સીવીલ હોસ્પિટલના ડોકટરોની ટીમે શાળા આરોગ્ય “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” વિષે જણાવ્યુ હતું. આ કાર્યક્રમ હેઠળ બાળકની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે, તેમ કહેતાં યુવરાજના માતા-પિતાને હાશકારો થયો. તેઓ આગળની સારવાર લેવા સહમત થયા. યુવરાજને ગત તા.૧૬.૧૨.૨૪ ના રોજ યુ.એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ સંદર્ભ કાર્ડ ભરી રીફર કરવામાં આવ્યા. નિષ્ણાત તબીબોએ તેને હૃદયની તકલીફ હોવાનું નિદાન કર્યું, ત્યાર બાદ તા. ૧૬.૧૨.૨૪ ના નિષ્ણાંત ડોકટરોની ટીમે સર્જરી કરી યુવરાજની હૃદયની ખામી દૂર કરી હૃદયના ધબકારાઓને પુનઃ નિયંત્રિત કરી આપ્યાં. સર્જરી બાદ ગત તા. ૧૯.૦૨.૨૫ ના બાળક યુવરાજની ફોલોઅપ તપાસ થઇ. જે મુજબ યુવરાજ સપુર્ણ સ્વસ્થ હોવાના સુખરૂપ સમાચાર ડોક્ટર દ્વારા તેમના પરિવારજનોને આપ્યા.

હાલ યુવરાજ એકદમ સ્વસ્થ છે. તેના પિતા બીપીનભાઇ અને તેનો પરિવાર આર.બી.એસ.કે. ની ટીમ, સિવિલ હોસ્પિટલ અને યુ.એન. મહેતા હોસ્પિટલના ડોક્ટરો તથા સરકાર પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરે છે.

જિલ્લામાં આર.બી.એસ.કે. ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીનો વધુ ને વધુ બાળકોને લાભ મળે અને બાળકો તંદુરસ્ત રહે, તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.આર. ફુલમાલીના માર્ગદર્શનમાં સમયાંતરે મીટીંગો યોજી કાર્યક્રમનુ આયોજન અને મુલ્યાંકન કરવામાં આવે છે.

વર્ષ ૨૦૨૪ માં આર.બી.એસ.કે. કાર્યક્રમ અંતર્ગત હદયની બીમારીવાળા ૧૧૬ બાળકો બાળકોને સુપર સ્‍પેશ્‍યાલીસ્‍ટ સારવાર અમદાવાદ ખાતે નિઃશુલ્ક પૂરી પાડી બાળકોની જિંદગી બચાવી લેવામાં આવી છે.

સરકાર દ્વારા આવી કોઇ પણ ગંભીર બીમારીમાં બાળકોને સ્વાસ્થ્ય પ્રદાન કરી તંદુરસ્ત બાળ અને તંદુરસ્ત સમાજની વિભાવના સાર્થક કરી રહી છે.

Back to top button
error: Content is protected !!