Jasdan: જસદણ તાલુકાના શિવરાજપુર ખાતે યોજાયો કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ

તા.૫/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, નવીન કૃષિ ટેકનોલોજી વગેરે વિશે અપાયું માર્ગદર્શન
Rajkot, Jasdan: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામે સફળ ખેડૂત શ્રી બાબુભાઈ કાનકડના મોડલ ફાર્મ ખાતે આત્મા પ્રોજેક્ટ રાજકોટ કચેરી દ્વારા કિસાન ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અંદાજે ૧૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં આત્મા કચેરીના અધિકારી શ્રી પાનસુરીયાએ પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી હતી. શ્રી અશોકભાઈ મોલીયાએ ખેડૂતોને કૃષિની નવીન ટેકનોલોજી ઈપીએન, લાઈવપોલાઇઝેશન વગેરે વિશે વિસ્તૃત સમજણ આપી હતી.
આ તકે, ૧૦૦ પ્રતિશત પ્રાકૃતિક ખેતી કરતા લોધિકાના ખેડૂત શ્રી કૃષ્ણરાજસિંહ જાડેજાએ ગાય આધારિત ખેતીના ફાયદા મોહનભાઈ ડાભીએ પ્રકૃતિમાં રહેલ ઔષધી અને હેલ્થ ફાર્મિંગ વિષે વિગતવાર જણાવ્યુ હતું. ઉપરાંત પ્રગતિશીલ ખેડૂત શ્રી વી.ડી. કાલરીયાએ રસાયણથી થતી ખેતી અને પ્રાકૃતિક ખેતી ની જમીનમાં રહેલ તત્વો વિશે પ્રયોગ નિદર્શન કરી વિશિષ્ટ માહિતી આપી હતી. શ્રી રાજુભાઈ પટોળીયાએ અન્ય ખેડૂતોને પોતાના અનુભવો જણાવી પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયા, બિયારણ, વાવણી, ખાતર અને જંતુ નિયંત્રણ વિશેની વિગતવાર માહિતી આપી, સાથે જ પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલ ઉત્પાદનોના વેચાણ અને મૂલ્યવર્ધન વિશે પણ જણાવ્યું હતું.
આમ, કિસાન ગોષ્ઠી કાર્યક્રમ દ્વારા શિવરાજપુર અને તેની આસપાસના વિસ્તારોના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હિમાયત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી દ્વારા પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે મુંઝવતા પ્રશ્નોનું નિવારણ કરવામાં આવ્યું હતું.







