GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સૈનિકોના સન્માનમાં સેવાનો સંકલ્પ: સુભાષ ફાઉન્ડેશન-જુનાગઢ દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂ. ૪૧ લાખનું અનુદાન

તા.૭/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ દ્વારા સૈનિકોના બલિદાનને યાદ કરી તેઓના પરિવારજનોને મદદરૂપ બનવાનું પરમાર્થ કાર્ય

દેશના એક માત્ર હયાત પરમવીર ચક્ર એવોર્ડ વિજેતા કેપ્ટન યોગેંદ્ર યાદવની ઉપસ્થિતિમાં ચેક અર્પણ

Rajkot: દેશના વીર જવાનો સરહદ પર ઘર-પરિવારની ચિંતા કર્યા વગર માં ભોમની રક્ષા કાજે સમર્પિત બની ફરજ નિભાવે છે, ત્યારે તેમના પરિવારજનો પણ પરોક્ષ રીતે દેશસેવામાં સહભાગી બનતા હોય છે. દેશની સુરક્ષા કરતા કેટલાક સૈનિકો શહાદત વહોરે છે, જયારે અનેક જવાનો ક્ષતિગ્રસ્ત થતા તેમના પરિવારજનોના કલ્યાણર્થે મદદરૂપ બનવું સૌ ભારતવાસીઓની ફરજ બને છે.

પ્રતિ વર્ષ ૭ મી ડિસેમ્બર ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ સૈનિકોના બલિદાનને યાદ કરી તેઓના પરિવારજનોનો સહારો બનવા અનુદાનના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજકોટ કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશ દ્વારા હાલમાં અનુદાન આપી સૈનિકોના કલ્યાણાર્થે લોકોને લોકોને ઉદાર હાથે દાન આપવા અપીલ કરી હતી. જેને ઝીલી લેતા રાજકોટ શહેર અને જિલ્લામાં નાગરિકો તેમજ સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ દાન આપી આ ઉમદા કાર્યમાં સહભાગી બની રહયા છે.

આ કાર્યમાં જૂનાગઢના સુભાષ ફાઉન્ડેશને સૈનિકોના પરિવારો માટે દાખલારૂપ રૂ ૪૧.૦૦ લાખનું અનુદાન આપી સમાજને પ્રેરણા પુરી પાડી છે. વર્ષ ૧૯૭૬ મા સ્થાપિત સુભાષ ફાઉન્ડેશનને ૫૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં તા ૨૫/૧૨/૨૦૨૫ ના રોજ વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુભાષ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી જવાહર ચાવડા અને રાજભાઈ ચાવડા દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમા રૂ ૪૧.૦૦ લાખની માતબર રકમ દાનમા અર્પણ કરવામા આવેલ હતી.

આ સમારોહમાં ભારતીય સેનાના સર્વોચ્ચ બહાદુરી પદક પરમવિર ચક્ર વિજેતા કેપ્ટન યોગેંદ્ર યાદવે ઉપસ્થિત રહી સૈનિકોની વીરતાના પ્રસંગો વર્ણવ્યા હતાં. આ પ્રસંગે એન.સી.સી. ગૃપ હેડ્કવાર્ટર, રાજકોટના બ્રિગેડીયર બિશ્વાસ, બ્રિગેડીયર રાયજાદા તેમજ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, પવન કુમાર ઉપસ્થિત હતા.

આ રકમમાંથી સ્વ. સૈનિકોના ધર્મપત્નિઓ અને યુધ્ધ, લડાઈ, આંતકવાદી સામે ક્ષતિગ્રસ્ત થયેલ સૈનિકોને માસિક આર્થિક સહાય ચુકવવામા આવશે તેમજ સૈનિકોની પુત્રીના લગ્ન પ્રસંગે દીકરી લગ્ન સહાય, સૈનિકોના મૃત્યુ પ્રસંગે મરણોત્તર સહાય, તેમજ સૈનિકો/સ્વ. સૈનિકોના ધર્મપત્નીઓના સંતાનોને શિષ્યવૃત્તિ ચુકવવામા આવશે તેમ શ્રી પવનકુમારે જણાવ્યું છે.

આ અનુદાન સાથે ચાલુ વર્ષે ૫૦ લાખથી વધુનું દાન મળ્યું હોવાનું જણાવતાં હજુ પણ લોકો ઉદાર હાથે સક્રિય ફાળો નોંધાવે તેવી અપીલ શ્રી પવન કુમારે કરી છે. જેથી વધુ પ્રમાણમાં રાજ્યમાં સૈનિક કલ્યાણ પ્રવૃત્તિ કરી શકાય.

Back to top button
error: Content is protected !!