
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં મહિલાની સાથે કુટુંબી શખ્સ દ્વારા દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાઈ
મેઘરજ, અરવલ્લી : મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૩૧ વર્ષીય મહિલાની સાથે કુટુંબી શખ્સ દ્વારા દુષ્કર્મ આચરાયાની ગંભીર ઘટના સામે આવી છે. આરોપીએ મહિલાની એકલતાનો લાભ લઈ બે અલગ અલગ સમયે દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ, ગામની એક મહિલા પોતાના બે બાળકો સાથે ઘરે રહે છે, જ્યારે તેનો પતિ મજૂરી માટે બહાર રહે છે અને સમયાંતરે ઘરે આવતો રહે છે આશરે ચૌદ દિવસ પહેલા રાત્રિના સમયે મહિલા બાળકો સાથે ઘરે સુઈ રહી હતી ત્યારે આરોપી કુટુંબી શખ્સે ઘરના પાછળના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ આરોપીએ મહિલાની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટના અંગે કોઈને ન કહેવા દબાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.ફરીથી આશરે નવ દિવસ પહેલા આરોપી રાત્રે આવી પહોંચ્યો હતો અને મહિલાની સાથે ફરી દુષ્કર્મ આચરી ધમકીઓ આપી ફરાર થઈ ગયો હતો. ગત બુધવારે મહિલા ઘરેથી દુકાન તરફ જઈ રહી હતી ત્યારે આરોપી રસ્તામાં મળ્યો હતો અને ફરીથી ઘરે આવવાની ધમકી આપતાં મહિલા ભયભીત બની હતી.આ બાદ મહિલાએ પોતાના પતિને ફોન કરીને ઘરે બોલાવી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પતિ સાથે મળીને મેઘરજ પોલીસ સ્ટેશનમાં કુટુંબી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે મહિલાનું મેડિકલ પરીક્ષણ કરાવી આરોપીને ઝડપવા માટે તપાસ હાથ ધરી છે.





