નવસારી મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની કાર્યવાહી દરમિયાન કર્મચારીઓ પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ, ઉપયોગ અને સંગ્રહ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત રચવામાં આવેલ એન્ફોર્સમેન્ટ ટીમ આજરોજ તા. ૦૬/૦૩/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૪૦ વાગ્યાના સુમારે એપીએમસી માર્કેટ ખાતે આવેલ ‘લક્ષ્ય પ્લાસ્ટિક’ નામની દુકાન પાસે ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ઇકો ગાડી નંબર જીજે-૨૧ સીએ-૦૫૦૨ માં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો ભરેલો હોવાનું જણાયું હતું. જ્યારે એન્ફોર્સમેન્ટ ટીમના સભ્યોએ આ ગાડીના ડ્રાઇવરને પૂછતાછ કરવા રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે ડ્રાઇવરે ગાડી ભગાવવાનો પ્રયાસ કરતાં ટીમના કર્મચારીઓ ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, આરોપીએ એન્ફોર્સમેન્ટ ટીમને ફાળવવામાં આવેલ સત્તાવાર ગાડીને પણ ટક્કર મારી હતી. ટીમ દ્વારા તાત્કાલિક આ અંગે વિભાગને જાણ કરતાં સેનેટરી ઇન્સ્પેક્ટર મોહનભાઈ ડી.આહીર, ઉપહાર ઠાકોર સંદીપભાઈ આહીર, હિરેનભાઈ રાઠોડ, સોનલબેન મેઘનાથ અને મમતા ગામત સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ૧૦૦ નંબર પર ફોન કરી પોલીસને જાણ કરવામાં આવી હતી, જે બાદ પોલીસ કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.જોકે, આ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકથી ભરેલી ઇકો ગાડી લઈને ડ્રાઇવર ફરાર થવામાં સફળ રહ્યો હતો. નવસારી મહાનગરપાલિકા દ્વારા આ ગંભીર ઘટનાની તપાસ કરી સરકારી કામગીરીમાં રૂકાવટ, કર્મચારીઓ પર હુમલો અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થા સાથે સંકળાયેલા આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી માટે નવસારી રૂલર પોલિસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.નવસારી મહાનગરપાલિકા સ્પષ્ટ કરે છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની કાર્યવાહી ચાલુ રહેશે અને કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી લેવામાં આવશે. નાગરિકોને પણ અનુરોધ છે કે તેઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કે વેચાણ ન કરે અને સ્વચ્છ-સુંદર નવસારીના નિર્માણમાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો..




