નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને NAKSHA પ્રોજેક્ટના અમલીકરણ અંગે પ્રેસ બ્રિફ યોજાઇ

વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
*ડ્રોન સર્વે બાદ ગ્રાઉન્ડ ટ્રથીંગ એટલે જમીની હકીકત વખતે નાગરિકો તંત્રને સહભાગી થાય અને સાચી માહિતી આપે તે જરૂરી છે.-જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે*
*NAKSHA પ્રોજેક્ટ દ્વારા ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ (DILRMP) અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ રૂપે શરૂ કરવામાં આવ્યો છે.*
*સમગ્ર દેશમાં ૧૫૭ શહેરી સ્થાનિક સંસ્થાઓને પસંદ કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકા હેઠળ કુલ ૧૩.૩૮ વર્ગ કિ.મી. વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે.*
નવસારી,તા.૧૮: NAKSHA પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત GIS આધારિત સર્વે બાબતે પ્રેસ બ્રિફનું આયોજન આજે તા જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને, જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.
પ્રેસને બ્રિફ કરતા જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ NAKSHA પાયલોટ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “NAKSHA (National geospatial Knowledge-based land Survey of urban HAbitations)” પ્રોજેક્ટ ભારત સરકારના ભૂમિ સંસાધન વિભાગ દ્વારા ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ (DILRMP) અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ રૂપે શરૂ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ આધુનિક સર્વે ટેક્નોલોજી (જેમ કે એરિયલ ડ્રોન સર્વે અને GIS આધારિત મેપિંગ) નો ઉપયોગ કરીને ડિજિટલ સિટી સર્વે રેકોર્ડ તૈયાર કરવાનો છે અને મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ કરાવવાનો છે.
આ પ્રોજેક્ટનું અમલીકરણ Survey of India, NICSI, MPSeDC તથા પાંચ નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં કુલ ૧૫૭ શહેરી સ્થાનિક સંસ્થાઓને પસંદ કરવામાં આવી છે, જેમાંથી ગુજરાત રાજ્યના નવસારી, મોરબી, ગાંધીધામ, આનંદ અને નડિયાદ પાંચ મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે.
નવસારી મહાનગરપાલિકા હેઠળ કુલ ૧૩.૩૮ વર્ગ કિ.મી. વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે જેમાં વિજલપોર, જલાલપોર, એરું, દાતંજે, હાંસાપોર, છાપરા, ઈટાળવા, ચોવીસી, ધારાગીરી અને વિરાવળ ગામોના વિસ્તારોનો સમાવેશ થાય છે.
ડ્રોન સર્વે બાદ GIS આધારિત ઓર્થો-રેક્ટીફાઈડ ઈમેજ (ORI) તૈયાર થશે અને ત્યારબાદ ગ્રાઉન્ડ ટ્રુથિંગ કામગીરી હાથ ધરાશે. દરેક મિલકત માટે નમૂના–૨ હેઠળ જરૂરી દસ્તાવેજોની માંગ કરવામાં આવશે અને હક્કચોકસી પ્રક્રિયા બાદ અંતિમ રેકોર્ડ તૈયાર થશે.અંતે, તૈયાર થયેલ રેકોર્ડના આધારે દરેક મિલકતધારકને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે.
પ્રેસ બ્રિફમાં આ પ્રોજેક્ટના ફાયદાઓ જણાવતા કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, મિલકત સંબંધિત વ્યવહારોમાં પારદર્શિતા આવશે, વિવાદો ઘટશે અને લોકોમાં આત્મવિશ્વાસ વધશે. ઉપરાંત, શહેરી વિકાસ આયોજન, વેરા વસુલાત, નગર સુવિધાઓ, કુદરતી આપત્તિ વ્યવસ્થાપન સહિતના કાર્ય વધુ અસરકારક રીતે કરી શકાશે.
આટલુ જ નહિ આ પાયલોટ પ્રોજેક્ટ સમય મર્યાદામા પુરો કરવાથી જિલ્લાને સરકારશ્રી તરફથી પ્રોત્સાહક ગ્રાન્ટ પણ મળશે જે જિલ્લાના વિકાસમા ઉપયોગી બનશે એમ ઉમેરી નાગરિકોને ડ્રોન સર્વે બાદ ગ્રાઉન્ડ ટ્રથીંગ એટલે જમીની હકીકત વખતે જિલ્લા તંત્રને સહભાગી થવા અને સાચી માહિતી આપવા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.
*બોક્ષ- ગ્રાઉન્ડ ટ્રુથિંગ એટલે શું?*
ગ્રાઉન્ડ ટ્રુથિંગ એટલે કે કોઈ પણ માહિતીની સાચી ખબર મેળવવા માટે સીધા જ સ્થળ પર જઈને વાસ્તવિક ડેટા એકત્રિત કરવું. આ પ્રક્રિયા એ ચકાસે છે કે સેટેલાઈટ ઈમેજ/ મોડેલ, કે એપ્લીકેશન દ્વારા મેળવેલી માહિતી સાચી છે કે નહીં. સરળ ભાષામાં કહીએ તો – કાગળ કે કમ્પ્યુટરમાં જે દેખાય છે, તે જમીન પર સાચું છે કે નહીં, તે તપાસવાની રીતને ગ્રાઉન્ડ ટ્રુથિંગ કહે છે.
આ પ્રેસ બ્રિફમાં નવસારી મહાનગરપાલિકા કમિશ્નરશ્રી દેવ ચૌધરી, નવસારી પ્રાંત અધિકારીશ્રી જનમ ઠાકોર, સહિત નવસારી જિલ્લાના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મિડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.




