GUJARATHALOLPANCHMAHAL

હાલોલની નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ,આવતીકાલથી શરૂ થશે ત્રિ-દિવસીય વૈશ્વિક મહાકુંભ, રાજ્યપાલશ્રી અને કેબિનેટ મંત્રીઓની ગરિમામય ઉપસ્થિતિ રહેશે.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૮.૧૨.૨૦૨૫

આજે તારીખ ૧૮/૧૨/૨૦૨૫ ના રોજ પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આવતીકાલ તારીખ ૧૯ થી ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાનારી ‘આંતરરાષ્ટ્રીય નેચરલ ફાર્મિંગ, નેચરોપેથી, યોગ, ધ્યાન અને આરોગ્ય પરિષદ’ની વિગતો જાહેર કરવામાં આવી હતી. આ ભવ્ય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન INO-સૂર્ય ફાઉન્ડેશન દ્વારા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી કરવામાં આવ્યું છે, જેને ભારત સરકારના આયુષ મંત્રાલયનો વિશેષ ટેકો પ્રાપ્ત થયો છે.આ કાર્યક્રમને સફળ બનાવવામાં આત્મા (ATMA) પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનો પણ અમૂલ્ય ફાળો અને સહયોગ રહેવાનો છે.પ્રેસ કોન્ફરન્સને સંબોધતા યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. કે. ટીબડીયાએ કાર્યક્રમની ગરિમા વધારતા જણાવ્યું હતું કે, ૧૯ ડિસેમ્બરના રોજ મહામહિમ રાજ્યપાલશ્રી યુનિવર્સિટી ખાતે પધારી ૩૦૦૦થી વધુ ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે. ત્યારબાદ તેઓ ઢિંકવા ગામની મુલાકાત લેશે, જ્યાં તેઓ રાત્રિ રોકાણ સ્કૂલમાં કરશે અને ગૌદોહન જેવા પવિત્ર કાર્યમાં પણ જોડાશે. બીજા દિવસે ૨૦ ડિસેમ્બરના રોજ રાજ્યપાલશ્રી પ્રાકૃતિક ખેતીના વિષય પર વિસ્તૃત સંવાદ કરશે. આ પ્રસંગે ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા પણ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. કુલપતિએ વધુમાં ઉમેર્યું હતું કે, નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ એ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ ધરતી અને માનવ કલ્યાણનો ટકાઉ માર્ગ છે.INO ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અનંત બિરાદરે માહિતી આપી હતી કે, આ પરિષદમાં સમગ્ર ભારતમાંથી ૧૫૦થી વધુ પ્રાકૃતિક ખેતીના પ્રેક્ટિશનર્સ અને વિવિધ રાજ્યોમાંથી નેચરોપેથી, યોગ તથા પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે જોડાયેલા નિષ્ણાતો ઉપસ્થિત રહેશે. પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ‘નિરોગી માનવ – સમૃદ્ધ ભારત’ના સંકલ્પને સિદ્ધ કરવાનો છે. વોકમેન ઓફ ઇન્ડિયા ડૉ. રાજુ એમ. ઠક્કરે પણ જણાવ્યું હતું કે, પર્યાવરણ સંરક્ષણ અને નદીઓનું શુદ્ધિકરણ એ આપણી ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે.આ પ્રેસ કોન્ફરન્સમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. કે. ટીબડીયા, INOના અધ્યક્ષ ડૉ. બિરાદર, વિવિધ યુનિવર્સિટીઓમાંથી પધારેલા મહાનુભાવો, યુનિવર્સિટીના ઇન્ચાર્જ વિસ્તરણ નિયામક ડૉ. ગુર્જર, યુનિવર્સિટીનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં પ્રેસ અને મીડિયાના મિત્રો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!