GUJARAT

વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે નવસારી જિલ્લાની અડદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

વિશ્વ ક્ષય દિવસ (World TB Day) નિમિત્તે આજે સમગ્ર વિશ્વ સાથે નવસારી જિલ્લામાં પણ વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા. જે  અંતર્ગત અડદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો.

પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીએ ટીબી રોગ અંગે વિગતવાર માહિતી આપી હતી તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી નિઃશુલ્ક સારવાર, નિદાન અને સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા ક્ષય અધિકારી ડો. પિનાકીન પટેલે જણાવ્યું હતું કે ટીબી એક સંપૂર્ણ રીતે સારવારયોગ્ય રોગ છે અને સમયસર નિદાન તથા નિયમિત દવાઓ લેવાથી તેનો સંપૂર્ણ ઉપચાર શક્ય છે. તેમણે લોકોને વહેલી તકે તપાસ કરાવવા અને સારવાર અધૂરી ન રાખવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા પૂર્વ ટીબી દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી દર્દીઓને સારવાર દરમિયાન પોષણ સહાય મળી રહે.

આ ઉપરાંત અડદા ગામમાં ટીબી જાગૃતિ માટે રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય વિભાગના સ્ટાફ, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ટીબી મુક્ત સમાજ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. મનિન્દ્ર રંગુનવાલા, જિલ્લા ક્ષય અધિકારી ડો. પિનાકીન પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. અલ્પેશ પટેલ, ટીબી વિભાગના ડો. ધવલ શાહ, અડદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. નયનાબેન પટેલ તથા GMERS મેડિકલ કોલેજના તજજ્ઞ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!