ભરૂચ: આમ આદમી પાટી દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન, ગોપાલ ઇટાલીયા પર જુતું ફેંકી થયેલા હુમલાનો વિરોધ


રિપોર્ટર : સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તેમની પાર્ટીના નેતાઓએ પર થઈ રહેલા હુમલાઓને પગલે શહેરમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં હાથોમાં બેનરો લઈને સુત્રોચ્ચાર કર્યા હતા.જેમાં પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.
આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર સતત થઈ રહેલા હુમલાઓ તથા જામનગરમાં ગોપાલ ઇટાલિયા સાથે બનેલી તાજેતરની ગંભીર ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ મામલે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે,જામનગરમાં કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરો AAP માં જોડાયા બાદ, ભાજપ–કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ મળીને રાજકીય ષડયંત્ર રચી AAP કાર્યકરો પર જૂતુ ફેંકાવડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પક્ષનું કહેવુ છે કે,આ પ્રવૃત્તિઓ રાજકીય દમન તથા વિરોધીઓને દબાવવાનો પ્રયાસ છે.
આ અપ્રત્યક્ષ હુમલા,રાજકીય દમન અને દબાવની રાજનીતિ સામે આમ આદમી પાર્ટી ઝૂકશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આપવા રાજ્યના તમામ જિલ્લા મથક પર આવતી કાલે વિશાળ વિરોધ પ્રદર્શન યોજાશે. ત્યારે ભરૂચના રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન એ ડીવીઝન પોલીસે વિરોધ કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.




