
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં ‘કરુણા અભિયાન–૨૦૨૬’ અંતર્ગત અબોલ પક્ષીઓના સંરક્ષણ માટે જનજાગૃતિ મોટરસાયકલ રેલી યોજાઈ
ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરાથી અબોલ પક્ષીઓને થતી ઇજાઓ અટકાવવા અને તેમના જીવ બચાવવાના માનવતાપૂર્ણ હેતુ સાથે મેઘરજમાં ‘કરુણા અભિયાન–૨૦૨૬’ અંતર્ગત જનજાગૃતિ મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું આયોજન મેઘરજ વિસ્તરણ અને નોર્મલ રેંજ કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.રેલીને મેઘરજ વિસ્તરણ રેંજના આર.એફ.ઓ. એમ.જે. દામડા દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી મેઘરજના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મેઘરજ મામલતદાર કચેરી સુધી પહોંચી હતી અને ત્યારબાદ મેઘરજ વિસ્તરણ રેંજ ઓફિસ ખાતે પૂર્ણ થઈ હતી.આ રેલીમાં વન વિભાગના તમામ વનકર્મીઓ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર શહેરમાં ભ્રમણ કરતી રેલી દ્વારા નાગરિકોને ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરાથી ઘાયલ થતા પક્ષીઓના બચાવ, તેમની સંભાળ તથા સારવાર માટે સાવચેતી રાખવા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો.રેલી દરમ્યાન “પક્ષી બચાવો, કરુણા અપનાવો” જેવા નારાઓ સાથે લોકોમાં સંવેદના અને માનવતા જગાવવામાં આવી. મેઘરજ શહેરમાં કરુણા અભિયાન અંતર્ગત યોજાયેલી આ રેલીથી અબોલ પક્ષીઓના રક્ષણ માટે મહત્વપૂર્ણ જનજાગૃતિ સર્જાઈ હતી.





