
મહીસાગરમાં અકસ્માત સમયે મદદ કરનાર વ્યક્તિઓને પ્રોત્સાહન આપતી ‘રાહવિર યોજના’ વિષે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
***
અમીન કોઠારી, મહીસાગર

માર્ગ સલામતી માસ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે એઆરટીઓ કચેરી લુણાવાડા દ્વારા એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહનને લગતી કામગીરી તથા મેમો ભરવા જેવા વિવિધ કામો માટે કચેરીએ આવેલા અરજદારોને માર્ગ સલામતીના નિયમો વિશે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ માર્ગ અકસ્માત સમયે મદદ કરનાર વ્યક્તિઓને પ્રોત્સાહન આપતી ‘રાહવિર યોજના’ વિશે પણ લોકોને ઊંડાણપૂર્વક સમજણ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ અરજદારોને માર્ગ સલામતીના નિયમો દર્શાવતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, તમામ લોકોએ સંગઠિત થઈને માર્ગ સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ અભિયાનને વધુ વેગ આપવા માટે પ્રતિજ્ઞા લેતા અરજદારોના ફોટા પાડી તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું, જેથી અન્ય લોકો પણ માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃત બને. એઆરટીઓ લુણાવાડાની આ પહેલનો હેતુ માર્ગ અકસ્માતો ઘટાડવાનો અને સુરક્ષિત ડ્રાઇવિંગ સંસ્કૃતિ વિકસાવવાનો છે.




