
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દેશભરમાં ‘રાષ્ટ્રીય રમત દિવસ’ની ઉજવણીના ભાગરૂપે, ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે, વઘઈ પોલીસે ગણપતિ પંડાલના આયોજકો સાથે મળીને રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કર્યું હતુ.આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ અને જનતા વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવાનો અને રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એસ. સરવૈયાની સૂચના મુજબ, વઘઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવીએ આ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતુ.આ સ્પર્ધામાં ગણપતિ પંડાલના કુલ છ ટીમોના ૬૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો,જેમની સાથે વઘઈ પોલીસની એક ટીમ પણ સ્પર્ધામાં જોડાઈ હતી.દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે, ભાગ લેનાર ટીમોના નામ ક્રાંતિકારી વીરોના નામ પર રાખવામાં આવ્યા હતા.સ્પર્ધાના અંતે, ‘શહીદ વીર ભગતસિંહ’ (શ્રી ગજાનંદ યુવક ગણપતિ મંડળ) ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું હતુ,જ્યારે ‘સુભાષચંદ્ર બોઝ’ (છત્રપતિ શિવાજી ગણપતિ મંડળ) ટીમે બીજું અને ‘ચંદ્રશેખર આઝાદ’ (વઘઈ પોલીસ) ટીમે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતુ.આ કાર્યક્રમ દરમિયાન, પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવીએ ખેલાડીઓને સાયબર ક્રાઇમ, ટ્રાફિક જાગૃતિ અને નશીલા પદાર્થોના સેવનથી થતા નુકસાન વિશે પણ મહત્વપૂર્ણ માહિતી આપી હતી.આ સ્પર્ધા બાદ,વઘઈ પોલીસ દ્વારા ચા-અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ આયોજનને કારણે પોલીસ અને નાગરિકો વચ્ચેનો સંવાદ વધ્યો હતો અને વઘઇ નગરનાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.





