વીરસદની આંબેડકર સંસ્કારધામ ઉ. માં શાળા તથા વિદ્યાર્થીઓની પ્રગતિ માટે શિક્ષકોની ચિંતન બેઠક યોજાઈ

વીરસદની આંબેડકર સંસ્કારધામ ઉ. માં શાળા તથા વિદ્યાર્થીઓની પ્રગતિ માટે શિક્ષકોની ચિંતન બેઠક યોજાઈ.
તાહિર મેમણ – આણંદ – 05/07/2024- ખુદ કો કર બુલંદ ઇતના, કી હર તકદીર કો લિખને સે પહેલે ખુદા પુછે બતા તેરી રજા ક્યાં હૈ? આ પંક્તિને સાર્થક કરવા, આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં વીરસદ ખાતે આવેલી આંબેડકર સંસ્કારધામ ઉ.માં.શાળામાં ઉત્સાહી આચાર્ય શ્રી મહેશભાઈ અને તેમની ટીમે વિદ્યાર્થીઓ માટે પ્રેરણાત્મક માર્ગદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો.ઝારોલા હાઈસ્કૂલના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે શાળાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પોતે જ પોતાના ભાગ્ય વિધાતા બનવા શું કરવું જોઈએ, જીવનમાં કેવી રીતે આગળ વધી શકાય, લક્ષ નક્કી કરવું, તે લક્ષને સાર્થક કરવા શું કરવું, ગતી ને પ્રગતિમાં કેવી રીતે ફેરવી શકાય, વગેરે બાબતે ઘણા બધા દ્રષ્ટાંતો સાથે વિદ્યાર્થીઓને ઝંઝોડ્યા હતા. તમામ વિદ્યાર્થીઓ પોતાના ઉત્તમ જીવન ઘડતર માટે ચોરી નહીં કરે, જૂઠું નહિ બોલે, દરેક કાર્ય પ્રામાણિકતાથી કરશે,નિયમિત ગૃહકાર્ય કરશે, માતા પિતાની આજ્ઞાનું પાલન કરશે, પોતાના ગુરુજીઓનું સન્માન કરશે, શક્ય હોય ત્યાં સુધી બધાને મદદરૂપ થશે, ખાસ કરીને આજના યુગમાં મા-બાપ માટે સૌથી ચિંતાના વિષય એવા મોબાઈલનો બિનજરૂરી બિલકુલ ઉપયોગ નહીં કરે, જેવી પ્રતિજ્ઞા શાળાના આચાર્યશ્રી મહેશભાઈ તથા તમામ ગુરુજીની સમક્ષ પુરા અંતઃકરણથી લીધી હતી.
વિદ્યાર્થીઓની સાથે પ્રેરણાત્મક ચર્ચા બાદ શાળાના ભૂતપૂર્વ ઉત્સાહી આચાર્યશ્રી જાલમસિંહ તથા ઝારોલાના આચાર્યશ્રી નવીનભાઈ તથા સુપરવાઇઝર ધર્મેશભાઈની સાથે શાળાના તમામ શિક્ષક પરિવારની ભાવનાત્મક ચિંતન બેઠક થઈ હતી. જેમાં વિદ્યાર્થી કઈ રીતે પોતાની વધુ પ્રગતિ કરી શકે, વિદ્યાર્થીની પ્રગતિમાં શિક્ષક કઈ રીતે પોતાની ઉત્તમ ફરજ બજાવી શકે, શિક્ષક શું શું કરી શકે વગેરે બાબતે ગહન ચર્ચા થઈ હતી. ઝારોલાના આચાર્ય નવીનભાઈ પટેલે શાળાના વિદ્યાર્થીઓની શિસ્ત, શીખવાની તત્પરતા તેમજ એક રાગથી કામ કરતા શિક્ષકોના કાર્યની નોંધ લઇ તેમને અભિનંદન પાઠ્વ્યા હતા. તેમજ તાજેતરમાં નિવૃત્ત થયેલ શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી જાલમસિંહ કે જેઓએ પોતાની દીર્ઘદ્રષ્ટિથી જે રીતે શાળાને શૂન્યમાંથી પ્રગતિના શિખરે પહોંચાડી, તેમાંથી સૌને પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.





