ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને અંબાજી શક્તિ કોરિડોર વિકાસ અંગે રિવ્યૂ બેઠક યોજાઈ

18 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
મંત્રીશ્રીના હસ્તે અંબાજી ખાતે ગજદ્વાર પોલીસ
ચોકીનું લોકાર્પણ કરાયું ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને અંબાજી શક્તિ કોરિડોર ડેવલોપમેન્ટ અંગે અંબાજી ખાતે સબંધિત અધિકારીશ્રીઓ સાથે રિવ્યૂ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ અંબાજી શક્તિ કોરિડોર વિકાસ પ્લાન અંગે ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું હતું. આગામી ભાદરવી પૂનમના મેળાના પૂર્વ આયોજન અને તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી. તેમણે ઈકો સિસ્ટમ, નવીન વ્યવસ્થાઓ અને યાત્રાળુઓની સુવિધામાં વધારા બાબતે કરવામાં આવતા આયોજનને બિરદાવ્યું હતું. તેમણે કહ્યું કે, વહીવટી તંત્ર દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. લોકોમાં સ્વયંભૂ સ્વચ્છતા બાબતે જાગૃતિ કેળવાય તથા અંબાજીને વિકાસની દ્રષ્ટિએ આગળ લઈ જવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજે અંબાજી આર.ટી.ઓ. સર્કલ સ્થિત નવનિર્મિત ગજદ્વાર પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું હતું. આ નવી પોલીસ ચોકીથી અંબાજી આવતા ભક્તજનો અને સ્થાનિક નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે તથા પોલીસ વ્યવસ્થાને નવી દિશા મળશે.લોકાર્પણ પછી મંત્રીશ્રીએ પાવન ધામ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને સમગ્ર રાજ્યના નાગરિકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે આરાધના કરી હતી.આ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, રેન્જ આઈ.જી.શ્રી ચિરાગ કોરડીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સુમન નાલા, અધિક કલેકટર અને અંબાજી વહીવટદારશ્રી કૌશિક મોદી સહિત સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.











