Rajkot: પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગરપાલિકા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

તા.૨૦/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજયના કૃષિ, પશુપાલન તેમજ ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાહુલ ગુપ્તાની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના રસ્તા, પુલો, નાળા તેમજ જર્જરીત મકાનોની સ્થિતિ વિશે સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં કમિશનર શ્રી તુષાર સુમેરાએ મહાનગરપાલિકા હેઠળના કામોની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં આવેલા તમામ બ્રિજની સ્થિતિ સારી છે. જોખમી જણાયેલા સાંઢીયા પુલને નવો બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. આ ઉપરાંત માઇનોર અને કલ્વર્ટ જોખમી બ્રિજને બંધ કરાવી તમામની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. મહાનગરપાલિકાની ૩૧૪ આંગણવાડીઓ સલામત છે.
આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રો, વોર્ડ ઓફિસ, ઓડિટોરિયમ અને ફાયર સ્ટેશનો તમામની ચકાસણી કરવામાં આવી ચૂકી છે. જરૂરિયાત જણાયેલા તમામ બિલ્ડીંગોમાં મરામતની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં આવેલી ૨ જોખમી આવાસ યોજનામાંથી અરવિંદ મણિયાર આવાસ યોજનાનું રિ-ડેવલપમેન્ટનું કામ શરૂ થઈ ચૂક્યું છે જ્યારે અન્ય યોજનામાં આવાસ ખાલી કરાવી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. આ સાથે રાજકોટ શહેરમાં ૮૪ જગ્યાઓને પાણી ભરાવાના પોઈન્ટ તરીકે આઇડેન્ટીફાય કરી તેના પર કામગીરી કરવામાં આવી રહી છે. તો ૩૫૬ કિ.મી. રસ્તાઓમાં ૨૪૦૩ ખાડાઓની તપાસ કરી તમામને રિસ્ટોર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજિંદા નિરીક્ષણથી અન્ય વિસ્તારોની જાણકારી મળતા ત્યાં પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ તકે પ્રભારી મંત્રીશ્રીએ સર્વે અધિકારીઓને તાકીદ કરતાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા લોક સુખાકારી માટે વિશેષ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં રસ્તા પર પડતા ખાડા, પાણી ભરાવા તેમજ જર્જરિત મકાનોની સમસ્યાના કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તેમજ તમામ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તે માટે તમામ અધિકારીઓએ પ્રો-એકટીવલી કામગીરી કરી કોઈપણ પ્રશ્નનું ૨૪ કલાકમાં નિરાકરણ લાવવા કામગીરી હાથ ધરવી.
આ બેઠકમાં મેયરશ્રી નયનાબેન પેઢડીયા, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમિનભાઈ ઠાકર, દંડક શ્રી મનીષ રાડીયા, શાસક પક્ષના નેતા શ્રી લીલુબેન જાદવ, ડેપ્યુટી કમિશનર સર્વેશ્રી મનીષ ગુરુવાણી, શ્રી ચેતન નંદાણી તથા શ્રી હર્ષદ પટેલ, અગ્રણીશ્રી ડો. માધવ દવે સહિત તમામ વોર્ડના પ્રમુખો, કોર્પોરેટરશ્રીઓ, સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.







