Rajkot: રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

તા.૨૦/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લાની મહત્વની કામગીરી વિશે ઝીણવટભરી માહિતી મેળવતા વરિષ્ઠ અધિકારીઓ — પદાધિકારીઓ સાથે ચર્ચા હાથ ધરી
વરસાદના કારણે નુકસાન પામેલા માર્ગોના દુરસ્તીકરણ, જન સલામતીના પગલાંઓ વિશે વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન — સૂચના આપ્યા
નાગરિકોને સુખાકારી માટે તાત્કાલિક ધોરણે, ગુણવત્તાસભર કામગીરી આપણી પ્રાથમિકતા હોવી જોઈએ: મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના મંત્રીશ્રીઓ દ્વારા જિલ્લાકક્ષાએ જઈને જાત-નિરીક્ષણ કરી વિવિધ કામગીરીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં આજે રાજકોટ જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાની મુલાકાત લઈ કલેક્ટર કચેરી ખાતે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વરિષ્ઠ અધિકારીઓ — પદાધિકારીઓ સાથે વિસ્તારથી ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીના દિશા-નિર્દેશ મુજબ, પ્રભારીમંત્રીશ્રીએ ખાસ કરીને રાજકોટ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના વિવિધ માર્ગોને ચોમાસાની ઋતુ દરમિયાન થયેલું ધોવાણ અને નુકસાન તેમજ નુકસાન બાદ આ માર્ગોના દુરસ્તીકરણ માટે હાથ ધરાયેલી કામગીરી સંદર્ભે પ્રભારી સચિવશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી. વરસાદના પરિણામે રોડ રસ્તાઓ પર પડેલા ખાડા–ગાબડા પૂરવા સહિતનું જરૂરી રીપેરીંગ ટૂંક સમયમાં પૂર્ણ થાય અને પ્રજાને અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા તેમણે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમપ્રકાશે પ્રેઝન્ટેશન થકી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી બાબતે મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતાં.
આ તકે મંત્રીશ્રીએ રાજકોટ જિલ્લાના માર્ગ અને મકાન (સ્ટેટ, પંચાયત તથા નેશનલ હાઇવે ડિવિઝન), નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા, જી.એસ.આર.ડી.સી., પ્રાદેશિક નગરપાલિકા કમિશનરની કચેરી, રૂડા તથા રેલ્વે વિભાગ હેઠળ જિલ્લામાં આવેલા પુલોની સ્થિતિ અને નિરીક્ષણ વિશે, જરૂરી મરામત કામગીરી અંગે તેમજ અમુક પુલ ભારે વાહન માટે પ્રતિબંધિત છે કે કેમ તે સહિતની વિગતવાર માહિતી મેળવી હતી. ક્રિટિકલ સ્થિતિમાં જણાયેલ જિલ્લાના પાંચ બ્રિજ પર ભારે વાહનોના આવાગમન બંધ કરાવવા સાથે જરૂરી રીપેરિંગ અને મેઈન્ટેનન્સની કામગીરી સાથે વાહન વ્યવહાર જળવાઈ રહે તેવા આયોજન માટે ડાયવર્ઝન સહિતના પગલાં અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ઉપરાંત રાજકોટ જિલ્લાના આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનોની સ્થિતિ વિશે પણ વિગતવાત માહિતી મેળવી ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેઓએ રસ્તા, પુલ પર જરૂરી સમારકામની કામગીરી વેગવંતી બનાવવા તથા સામાન્ય નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે રીતે કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ સમયગાળા દરમિયાન જન સામાન્યને કોઈ તકલીફ ન થાય અને સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે બાબત પર મંત્રીશ્રીએ ખાસ ભાર મૂક્યો હતો.
મંત્રીશ્રીએ દ્રઢપણે જણાવ્યું કે, રાજ્યના તમામ નાગરિકોની સુવિધા અને સુખાકારીને કેન્દ્રમાં રાખી રાજ્ય સરકાર દ્વારા વિવિધ માળખાગત સુધારાઓ તેમજ થયેલ કામગીરીના નિરીક્ષણ માટે ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોની સુખાકારી માટે તાત્કાલિક ધોરણે, ગુણવત્તાસભર કામગીરી આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. મંત્રીશ્રીએ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વડાપ્રધાનશ્રી દ્વારા આરંભાયેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અન્વયે રાજકોટ જિલ્લામાં વધુને વધુ વૃક્ષો વાવી તેના માવજતને પ્રોત્સાહન આપવાની દિશામાં કામગીરી થાય તેમ જણાવ્યું હતું. સાથોસાથ સ્વચ્છતા જળવાય, પાણીજન્ય રોગ ન ફેલાય તેની તકેદારી રાખવા સાથે, ‘કેચ ધ રેઇન’ પ્રોગ્રામ હેઠળ જરૂરી પાણીસંગ્રહ માટેના વધુને વધુ કામો થાય તે માટે ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતા.
આ બેઠકમાં મેયર શ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય સર્વ શ્રી ડો.મહેન્દ્રભાઈ પાડલિયા, ડો. દર્શિતાબેન શાહ, પ્રભારી સચિવ શ્રી રાહુલ ગુપ્તા,મંત્રીશ્રીના અધિક અંગત સચિવ શ્રી હર્ષવર્ધન સોલંકી, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર શ્રી મહેશ જાની, અધિક નિવાસી કલેકટર શ્રી એ.કે.ગૌતમ, અગ્રણીઓ શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, શ્રી માધવ દવે, આસિસ્ટન્ટ કલેકટર શ્રી મહેક જૈન, પ્રાંત અધિકારીશ્રીઓ વિવિધ વિભાગના અધિકારી- કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








