ગિરિ કંદરામાં રહેતા જગતાત માટે યોજના બની સોનેરી સવારની શરૂઆત_પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાથી જુનાગઢ જિલ્લામાં વન્ય પ્રાણી અવરજવર વિસ્તારોમાં રહેતા ખેડૂતોને થઈ રાહત
ગિરિ કંદરામાં રહેતા જગતાત માટે યોજના બની સોનેરી સવારની શરૂઆત_પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાથી જુનાગઢ જિલ્લામાં વન્ય પ્રાણી અવરજવર વિસ્તારોમાં રહેતા ખેડૂતોને થઈ રાહત

રાજય સરકાર ખેડૂતોના સર્વગ્રાહી કલ્યાણ માટે સતત ચિંતિત છે અને પ્રયત્નશીલ રહે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીયકૃત યોજનાઓની ગુજરાતમાં સર્વગ્રાહી અમલવારીને લીધે સુશાસન થકી તેના લાભ નાગરિકોને મળી રહ્યા છે.વર્ષો પહેલા જુનાગઢ જિલ્લાના જંગલ વિસ્તારમાં રહેતા ખેડૂતોને દરરોજ મોડી રાત્રે ખેતરોમાં પાણી વાળવા માટે જવું પડતું હતું. ગિરનાર પર્વત, બરડા ડુંગર, ગીર રાષ્ટ્રીય અભયારણ્ય વિસ્તાર લાગુ પડતો હોવાથી વન્ય પ્રાણીઓની અવર જવર રહે તે ખૂબ સ્વાભાવિક બાબત છે. જેને ધ્યાનમાં રાખતા વર્ષ ૨૦૨૦ માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સૂર્યોદય યોજનાનો જુનાગઢ ખાતેથી મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વિડીયો માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો.આજે ખેડૂતોને રાહત મળી છે તેવી કિસાન સૂર્યોદય યોજનાની વાત કરવી છે.ગુજરાતમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વર્ષ ૨૦૨૦ થી ખેડૂતોને સિંચાઈ માટે દિવસના સમયે વીજળી સવારના પાંચથી ૯ વાગ્યા સુધી પૂરી પાડવા શરૂ કરવામાં આવી છે. જેનાથી રાત્રિના સમયે વીજળી પર નિર્ભરતા ઘટાડવા અને સૌર ઉર્જા એટલે કે બિન-પરંપરાગત ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ એક તબક્કાવાર પ્રોજેક્ટ છે કે જે પર્યાવરણને અનુકૂળ રીતે વીજળી સુનિશ્ચિત કરવા માટે નવા ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ખેડૂતોને સિંચાઈમાં મદદ કરે છે અને આગળ જતા તેઓની આવકમાં વધારો કરે છે. આ યોજના થકી ટકાઉ વિકાસના ખ્યાલને પણ મદદ મળે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે દિવસ દરમિયાન વીજળી પહોંચાડવા માટે નવા ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે ૬૬ કેવી લાઇન અને સબસ્ટેશનમાં જંગી રોકાણ કર્યું છે. આનાથી ખેડૂતો રાત્રિના સમયે નહીં પણ અનુકૂળ અને સલામત સમયે સિંચાઈ કરી શકે છે.વડાપ્રધાનશ્રીએ ગુજરાતનાં ખેડૂતો માટે આ યોજનાનું ઈનોગ્રેશન વર્ષ ૨૦૨૦ માં કર્યું હતું.આ પ્રસંગે તેમણે કહ્યું કે ગુજરાત હંમેશા સામાન્ય માણસના દૃઢ નિશ્ચય અને સમર્પણ માટે એક અનુકરણીય મોડેલ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે સુજલામ-સુફલામ યોજના અને સૌની યોજના પછી, કિસાન સૂર્યોદય યોજના ગુજરાતે ગુજરાતના ખેડૂતોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતમાં વર્ષોથી વીજળીના ક્ષેત્રમાં કરવામાં આવેલ કાર્ય આ યોજનાનો આધાર બન્યું છે. જેમાં વીજળી ઉત્પાદનથી લઈને ટ્રાન્સમિશન સુધીના તમામ કાર્યો રાજ્યમાં ક્ષમતા સુધારવા માટે મિશન મોડમાં હાથ ધરવામાં આવ્યા હતા.કિસાન સૂર્યોદય યોજના અંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે પહેલા મોટાભાગના ખેડૂતોને ફક્ત રાત્રે જ સિંચાઈ માટે વીજળી મળતી હતી અને તેમને આખી રાત જાગવું પડતું હતું. ખાસ કરીને ગિરનારની આસપાસના જંગલના વિસ્તારોમાં અને જૂનાગઢમાં ખેડૂતોને જંગલી પ્રાણીઓની સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને સવારે પાંચથી રાત્રે નવ વાગ્યા સુધી ત્રણ ફેઝમાં વીજ પુરવઠો મળશે અને તેમના જીવનમાં એક નવી સવાર આવશે. સમગ્ર ગુજરાતને આ યોજના દ્વારા વીજળી પુરવઠો મળશે ત્યારે લાખો ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે. યોજનાની અમલવારીના પાંચ વર્ષ પછી આજે ખેડૂતને રાહત મહેસુસ થઈ રહી છે.અધિક્ષક ઈજનેર એસ. એચ. રાઠોડ, પીજીવીસીએલ વર્તુળ કચેરી જુનાગઢ આ તકે જણાવે છે કે જુનાગઢ જિલ્લામાં ૩૧૬ ગામડાઓને આવરી લેવામાં આવ્યા છે. ૩૬૪ ખેતીવાડી ફીડર આવેલા છે. ૭ તાલુકાનો સમાવેશ થાય છે. આ તમામ ગામડા તથા ફિડરમાં સવારે વીજળી પૂરી પાડવામાં આવે છે. સવારના સાડા પાંચથી નવ વાગ્યા સુધી અને સાંજના ૫ વાગ્યા સુધી વીજળી મળી રહે છે. થ્રી ફેઝ પાવર સપ્લાઈ પૂરો પાડવામાં આવે છે. કોઈપણ ગામ અત્યારે જુનાગઢ જિલ્લામાં ડે ટાઈમ પાવર સપ્લાઈમાં બાકી નથી. ૧૦૦% વીજળી પૂરી પાડવામાં આવે છે. જુનાગઢ જિલ્લાના ખેડૂતોએ આ પહેલા પણ રજૂઆતો કરી હતી. જેને ધ્યાનમાં રાખતા વર્ષ ૨૦૨૫ માં છેલ્લા ૩ મહિનામાં ૧૦૦% વીજળી પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે. જેનાથી જંગલી પ્રાણીઓના ત્રાસથી ખેડૂતો બચી ગયા છે. ચોવીસ કલાક પાણી વાળવાની ચિંતાને બદલે ખેડૂતોએ હવે માત્ર ૮ કલાક જ પાણી વળવાનું રહે છે. જેનાથી સમય, શક્તિ, ઉર્જા, વીજળીનો પણ દુરુપયોગ ઘટ્યો છે. રાત્રે પાણી વાળવા હવે ખેડૂતોએ જવું પડતું નથી એટલે તેઓને જંગલી પ્રાણીઓનો રંજડવાનો પ્રશ્ન પણ ઘટી ગયો છે. જુનાગઢ જિલ્લો વન્ય પ્રાણી પરિભ્રમણ વિસ્તારમાં સમાવિષ્ટ છે. અત્રે સિંહ, દીપડા, નીલગાય, ઝરખ વગેરે હિંસક વન્ય પ્રાણીઓની ગ્રામ્ય વિસ્તારોમાં સતત અવર જવર રહેતી હોય છે તેથી દિવસ દરમિયાન ખેડૂતોને પાણી અને વીજળી મળી રહે તે માટેની રજૂઆતોને ગ્રાહ્ય રાખી ખેડૂતો પ્રત્યે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.જુનાગઢ નજીક સોડવદર ગામના સરપંચ શ્રી વિજયસિંહ ભાટીએ આ યોજના અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ખેડૂતો માટે આ એક આશીર્વાદરૂપ યોજના છે. આ પહેલા ખેડૂતો ખૂબ જ પરેશાન થતાં અને રાત્રે પાણી વાળવા માટે ખેતરમાં જવું પડતું હતું. આ યોજના થકી ખેડૂતો હવે દિવસે જ પોતાનું કામ સરળતાથી કરી શકે છે. તેથી સમગ્ર ગામ વતી હું રાજ્ય સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું.વિજાપુર ગામના ખેડૂત શ્રી નાથુભાઈ મોરવાડિયાએ જણાવ્યું હતું કે, દિવસે જે વીજળી મળે છે તેનાથી અમને ખેડૂતોને ખૂબ ફાયદો મળ્યો છે. અત્યારે ૮ કલાક વીજળી મળે છે. અત્યારે મે મારા ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું છે. દિવસે પાણી અને વીજળી મળવાથી મહિલાઓ પણ ખેતીકામમાં મદદ કરી શકે છે. આ તકે વિજાપુર ગામના અન્ય ખેડૂત શ્રી મોહનભાઇ મોરવાડિયાએ જણાવ્યું હતું કે, આ યોજનાના અમલીકરણથી ખેડૂતોને પહેલા જે મોડી રાત્રે ઉજાગર કરવા પડતાં હતા તે હવે નથી થતું. અમે દિવસે જ અમારું કામ સરળતાથી પૂર્ણ કરી શકીએ છીએ. અમને વન્ય પ્રાણીઓનો ડર હવે નથી રહ્યો. આ માટે હું મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું.આ યોજના અંગે વધુ માહિતી મેળવવા માટે નજીકની વીજ કચેરી ખાતે સંપર્ક સાધી શકાશે. તેમજ https://ikhedut.gujarat.gov.in/site/ આ વેબસાઇટ ઉપરથી નિ:શુલ્ક માહિતી અને રજીસ્ટ્રેશન પણ કરવી શકાય છે. જુનાગઢ જિલ્લાના ખેડૂતો આઝાદ ચોક અને સરદારબાગ પરિસરમાં આવેલી પીજીવીસીએલ કચેરી અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે રૂબરૂ પણ સંપર્ક સાધવા જણાવ્યું છે.
૦૦૦૦૦૦૦
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ








