GUJARATNAVSARI

જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને વિદ્યા કિરણ હાઇસ્કુલ ઉનાઇ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
નવસારી
વિદ્યાર્થીઓને શૈક્ષણિક બાબતો માટે તૈયાર કરવાની સાથે સાથે દરેક વિદ્યાર્થી એક પ્રામાણિક વ્યક્તિ બને તેવા સંસ્કારનું સિંચન કરવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે…

સૌ ભણે, ગણે અને આગળ વધે’ તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ શૃંખલાના ૨૧મી કળીના ભાગરૂપ આજથી નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ની ઉલ્લાસમય ઉજવણી થીમ સાથે પ્રારંભ કરાયો છે. આ કાર્યક્રમ અન્વયે આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને વાંસદા તાલુકાની વિદ્યા કિરણ હાઇસ્કુલ ઉનાઇ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે વિદ્યાર્થીઓને આજના સમયમાં શિક્ષણ સાથે ટેકનોલોજીના મહત્વ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીકાળમાં ભણતર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. બાળપણએ જીવનનો સૌથી સુંદર સમય હોય છે ત્યારે આજના આધુનિક યુગમાં ટેકનોલોજી જ્ઞાનનો ભંડાર છે. મોબાઇલ અને ઇન્ટરનેટ જેવી વસ્તુઓમાંથી શિક્ષણમાં મદદ મળે તેવી વસ્તુઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા વિદ્યાર્થીઓને સલાહ આપી હતી.

તેમણે શાળાના છેલ્લા એક વર્ષના પરિણામની સમિક્ષા કરતા અભ્યાસમા શાળાનું પરીણામ સારૂ છે એમ કહી શિક્ષકોને વિદ્યાર્થીઓને શૈક્ષણિક બાબતો માટે તૈયાર કરવાની સાથે સાથે દરેક વિદ્યાર્થી એક પ્રામાણિક વ્યક્તિ બને તેવા સંસ્કારનું સિંચન કરવા સલાહ આપી હતી. આ સાથે તેમણે વિદ્યાર્થીઓને પરિસ્થિતી મુજબ પોતાને ઢાળવાની અને ટેકનોલોજી મુજબ પોતાની અંદર સ્કિલ ડેવલપ કરી શકે તેવા વ્યક્તિ તરીકેનો મજબુત પાયો ઘડવા શિક્ષકોને ખાસ અનુરોધ કર્યો હતો.

અંતે તેમણે ગુજરાત સરકાર દ્વારા કન્યાઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હાથ ધર્યો હતો. જેની 21મી શૃખલાના ભાગરૂપ હાલ સરકારશ્રી દ્વારા માધ્યમિક શાળામાં કન્યાઓ શાળામાં પ્રવેશ મેળવે અને અભ્યાસ પૂર્ણ  કરે તેવા પ્રયાસ સરકારશ્રીનો છે એમ ઉમેરી વાલીઓને બાળકને ઉચ્ચ શિક્ષણ મેળવવા દેવા ટકોર કરી હતી.

આ પ્રસંગે કલેક્ટરશ્રી સહિત મહાનુભાવોના હસ્તે ધોરણ 09ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમમાં શાળાના તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમના અંતે શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.

નોંધનિય છે કે, વિદ્યા કિરણ હાઇસ્કુલ ઉનાઇ ખાતે ધોરણ -09માં પ્રવેશ પાત્ર કુમાર -21 અને  કન્યા 27 મળી કુલ-48 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, પ્રાર્થના રજુ કરી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સાથે શાળાની વિદ્યાર્થીની દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ઉપર વક્તવ્ય રજુ કર્યું હતું.

આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી ડી.આઇ.પટેલ, નાયબ બાગાયત અધિકારીશ્રી દિનેશભાઇ સહિત શાળાના એસએમસી કમીટીના સભ્યો, અન્ય વાલીઓ, શાળા પરિવાર અને વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button