
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગનો ભ્રષ્ટાચાર પાણીની જેમ તરબતર થઈ ફૂટી નીકળતા ગરીબ આદિવાસીઓને વલખા મારવાની નોબત ઉઠી..
ગુજરાતનું ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ચોમાસાનું નકામુ વહી જતું પાણી રોકવા માટે રાજ્ય કેન્દ્ર સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં લાવી છે,પરંતુ સરકારી ધારા ધોરણ વિના ચેકડેમોનાં નિર્માણમાં વ્યાપક ગોબચારીને કારણે અમુક ચેકડેમો પ્રથમ વરસાદે જ ધોવાઈ જતા અથવા લીકેજ થઈ જતા ચેકડેમો બિન ઉપયોગી બની જતા ગરીબ આદિવાસી ખેડૂતોને સરકારી કરોડો રૂપિયાના આંધણ બાદ પણ પીવાના પાણી માટેની સુવિધાઓ ન મળતા હાલાકી વેઠવાની નોબત ઉભી થાય છે.ડાંગ જિલ્લાની લોકમાતાઓ બારેમાસ પાણીથી છલોછલ રહે અને ભૂગર્ભ જળનું લેવલ જળવાય રહે તે હેતુથી આહવા તાલુકાનાં ઉંમરપાડા ગામ નજીક ખાપરી નદી પર ચેઇન સિસ્ટમથી બનેલ ચેકડેમનાં બન્ને સાઇડે કી વોલનું વ્યાપક ધોવાણ થતા ચોમાસાનુ પાણી નકામુ વહી જતા આસપાસના ખેડૂતોને સિંચાઈ સહીત પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ ન થતા સરકારી લાખ્ખો રૂપિયા પાણીમાં ગયા હોવાનો અહેસાસ ખેડૂતો કરી રહ્યા છે.આહવા તાલુકાનાં ઉંમરપાડાનાં સ્મશાન ભૂમિ નજીક અને પાણી પુરવઠા વિભાગનો સંપ પાસે આવેલ ચેઇન સિસ્ટમથી લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ ચેકડેમમાં ગતવર્ષના ભારે વરસાદ ને પગલે બન્ને સાઈડના કી વોલનું વ્યાપક ધોવાણ થવા પામ્યું છે.જેનું સંબંધીત વિભાગ દ્વારા ચોમાસા બાદ વરસાદી કહેરથી ડેમેજ થયેલ ચેકડેમનું સમયસર સર્વેની કામગીરી હાથ ન ધરતા પાણી નકામું વહી જતા આસપાસના લોકોને પીવાના અને ખેડૂતોને પાણીની અછત વરતાઈ હોય ખરીફ પાકો સહીત આંબાવાડી કે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા આદિવાસી ખેડૂતોને ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થઇ રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાનાં ભોળા આદિવાસી ખેડૂતોની અજ્ઞાનતા ને કારણે તેઓ દ્વારા યોગ્ય રજુઆત કે ફરિયાદ ન થતા સરકારી યોજનાઓ માત્ર અધિકારીઓ અને ઇજારદારોનાં વિકાસ પૂરતી જ સીમિત રહી જવા પામે છે.ડાંગ જિલ્લાના ખેડૂતો ચોમાસુ પૂર્ણ થતા જ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.સાથે ખરીફ પાકો લેવા પણ આતુર હોય છે,કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ આદિવાસી ખેડૂતો પગભર થાય તેવા ઉમદા હેતુથી નદીઓ પર ચેકડેમો નિર્માણ કરે છે, પરંતુ સ્થાનિક વિભાગોના અધિકારીઓ દ્વારા યોગ્ય સુપરવિઝનના અભાવે ઇજારદારો દ્વારા મનસ્વી કામગિરી કરી સરકારી ધારાધોરણનો છેદ ઉડાડી મસમોટી ગોબાચારી આચરતા આ યોજનાઓ ક્યાંક પ્રથમ ચોમાસામાં જ વ્યાપક ધોવાણને પગલે કકડભુસ થાય છે, અથવા તો લીકેજ થાય છે.અથવા બિન ઉપયોગી થતા સરકારનો હેતુ સિદ્ધ થતો નથી.તેવામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ડાંગ જિલ્લાનાં ઉંમરપાડા ખાપરી નદી પર ધોવાણ થયેલ ચેકડેમને આળસ ખંખેરી સત્વરે મરામત કરાવી લોક ઉપયોગી બનાવે તે જરૂરી બન્યુ છે..




