પંચમહાલ કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટિપ્પણીઓ અને રસ્તાઓની બિસ્માર હાલત મુદ્દે આવેદનપત્ર
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સંગઠને જિલ્લા સેવાસદન કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રને વિવિધ મુદ્દાઓ પર આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત કરી હતી.
આ આવેદનપત્રમાં કોંગ્રેસે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દ્વારા આદિવાસી સમાજ સામે અને ખેડા સંસદીય મતવિસ્તારના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા બ્રાહ્મણ સમાજ સામે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓનો સખત વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આવા નિવેદનો કરનારાઓ તાત્કાલિક જાહેર માફી માંગે અને ભવિષ્યમાં આવી ટિપ્પણીઓ ટાળે તેવી માંગ કરી હતી.
તેમજ, કોંગ્રેસે ગોધરા-અમદાવાદ હાઈવે અને હાલોલ-શામળાજી હાઈવે પરના ખાડાઓ અને કામગીરીના અભાવને કારણે વધી રહેલી દુર્ઘટનાઓની શક્યતા પર પણ ધ્યાન દોર્યું હતું. તેમણે તાત્કાલિક મરામત અને યોગ્ય સંભાળ માટે તંત્ર દ્વારા પગલાં લેવાની માંગ કરી હતી.
પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરીને ઉદ્દેશીને પત્રકાર જગદીશ મહેતા દ્વારા આદિવાસી સમાજ પર કરાયેલી ટિપ્પણી મુદ્દે, મનરેગા યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે અગાઉ અપાયેલ આવેદનપત્ર પર કોઈ તપાસ ન થવા બાબતે અને ગોધરા-અમદાવાદ-ઈન્દોર હાઈવે પરના ખાડા અને માર્ગના મુદ્દે પણ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.
આ આવેદનપત્ર આપતી વખતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.