
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
માર્ગ સલામતી માસ – ૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત તારીખ ૧૧ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ આહવા એસ.ટી ડેપો ખાતે ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમારની ઉપસ્થિતિમાં મુસાફર જનતા, વિદ્યાર્થીઓ અને ડેપો સ્ટાફ માટે માર્ગ સલામતી અંગે જાગૃતતા કેળવવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં “માર્ગ સલામતી” અંગે વિસ્તાર પુર્વક સમજણ આપવામાં આવી હતી. જેમ કે, હંમેશા હેલમેટ અથવા સીટ બેલ્ટનો ઉપયોગ કરીએ, વાહન ચલાવતી વખતે ક્યારેય મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરીએ, ઉતાવળ કરીને જોખમી રીતે ઑવરટેક ન કરીએ, રસ્તા પર વાહન ખોટી રીતે પાર્ક ન કરીએ, લાઈસન્સ ન ધરાવતા કોઈ પણ વ્યક્તિને વાહન ચલાવવા ન આપીએ, કોઈપણ પ્રકારનો નશો કરી વાહન ન ચલાવીએ, જાહેર માર્ગ પર રેસિંગ કે સ્ટંટ ન કરીએ વગેરે જેવા ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, પોતાની તેમજ અન્યોની જીંદગી બચાવીએ જે માટે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું. વધુમાં ઈમરજન્સી નંબરો જેવા કે પોલીસ માટે ૧૦૦, ફાયર બ્રિગેડ-૧૦૧, એમ્બ્યુલન્સ-૧૦૮,અને ટ્રાફ્રિક હેલ્પલાઈન-૧૦૯૫ વગેરે નંબરો વિશે જાણકારી આપવામાં આવી હતી.





