
અહેવાલ
અરવલ્લી : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: ભાણમેર ખાતે ભીલોડા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ સહીત ₹5.74 લાખના દારૂ સાથે એક આરોપીને દબોચ્યો
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભાણમેર વિસ્તારમાંથી ભિલોડા પોલીસે ગુપ્ત માહિતીના આધારે એક મોટી દારૂ હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સુરક્ષા દળોએ ફિલ્મી ઢબે ઓપરેશન કરી એક સ્વિફ્ટ કારમાંથી મોટા પ્રમાણમાં દારૂ જપ્ત કર્યો છે. પોલીસે દારૂ સાથે આરોપીની ધરપકડ કરી, રાજ્યમાં ચાલતી દારૂની ચોરીછૂપીના ધંધા સામે વધુ એક કડક પગલું ભર્યું છે
ભિલોડા પોલીસે દરોડા દરમિયાન કુલ 22 પેટી દારૂ, છૂટા ક્વાટર, અને 300 નંગ બિયર બોટલ મળી કુલ ₹3.21 લાખનો દારૂ જપ્ત કર્યો છે. ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી સ્વિફ્ટ કાર, મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ મળીને ₹5.74 લાખનો સામાન પોલીસના કબજામાં લેવામાં આવ્યો છે.
દારૂ સાથે પકડાયેલ આરોપી રાજસ્થાનનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તંત્રએ આરોપીની પુછપરછ શરૂ કરી છે જેથી આ દારૂ કઈ જગ્યાેથી લાવવામાં આવ્યો હતો અને ક્યા ક્યા સ્થળે પહોંચાડવાનો હતો, તે જાણવામાં આવી શકે. પોલીસને આશંકા છે કે પાછળ કોઈ મોટી દારૂ માફિયાનું નેટવર્ક કાર્યરત હોઈ શકે છે.
અરવલ્લી જિલ્લો સૂકા જિલ્લો હોવા છતાં, એવી અનેક વખત ફરિયાદો મળી રહી છે કે રાજ્યની સરહદવાળા વિસ્તારોમાં, ખાસ કરીને રાજસ્થાનથી ગેરકાયદે દારૂ આવી રહ્યો છે. ભિલોડા પોલીસે આરોપી સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.





