
તા.૧૦.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદમાં હરખનો પ્રસંગ લોહીમાં ખરડાયો દાહોદના ચીલાકોટા ગામેથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક પવિત્ર સામાજિક પ્રસંગમાં મહેમાન બનીને આવેલા પરિવાર પર સ્થાનિક માથાભારે તત્વોએ જીવલેણ હુમલો કર્યો છે. માત્ર એક ‘ખુરશી’ માંગવાની સામાન્ય બાબતે મામલો એટલો બિચક્યો કે તલવારો અને ધારિયા ઉછળ્યા!આ ઘટના છે તારીખ 8 માર્ચ, 2026ની. ચીલાકોટા મુકામે વૈશાલીબેન મેહુલભાઈ મેડાના ઘરે ચાંદલાવિધિ અને મોમેરાનો ખુશીનો માહોલ હતો. ફરિયાદી પોતાના પિતા બાબુભાઈ અને બહેનો સાથે હરખે પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. પરંતુ કોને ખબર હતી કે આ ખુશી માતમમાં ફેરવાઈ જશે? પ્રસંગમાં બેસવા માટે ખુરશી માંગવાની નજીવી બાબતે આરોપી નંબર-1 વિનોદ બચુભાઈ તડવી ઉશ્કેરાઈ ગયો હતો. વડીલ બાબુભાઈને ‘તમે ક્યાંથી આવ્યા છો?’ કહી ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડરના માર્યા પરિવાર જ્યારે ત્યાંથી નીકળી રહ્યો હતો, ત્યારે રસ્તામાં જ કાયદાના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સર્જાયા ચીલાકોટા પ્રાથમિક શાળા પાસેના એ જ રસ્તા પર, જ્યાં વિનોદ તડવી, મહેશ તડવી અને નૈનેશ તડવી સહિતના શખ્સોએ ઘાતક હથિયારો સાથે પરિવારને ઘેરી લીધો હતો.આરોપીઓએ માત્ર મારપીટ જ નથી કરી, પણ લૂંટફાટ પણ મચાવી છે. ફરિયાદીના ગળામાંથી 2 તોલાનું સોનાનું મંગળસૂત્ર ઝૂંટવી લેવામાં આવ્યું અને ખિસ્સામાંથી 20,000 રૂપિયા રોકડા લૂંટી લેવાયા. પિતા અને બહેનને લાકડીઓ અને ગડદાપાટુનો એવો માર માર્યો કે તેઓ લોહીલુહાણ થઈ ગયા. બચાવવા આવેલા જમાઈ પર્વતભાઈને પણ આ હુમલાખોરોએ છોડ્યા નથી.ગામના જાગૃત નાગરિકે 112 નંબર પર ફોન કરતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસને જોઈને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હાલમાં ઇજાગ્રસ્ત પરિવાર દાહોદનાં ભરપોડા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.પરિવારનો આક્ષેપ છે કે આરોપીઓ રાજકીય વગ ધરાવે છે અને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હવે સવાલ એ ઉઠે છે કે, શું પોલીસ આ માથાભારે તત્વોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલશે? કે પછી ગરીબ પરિવાર ન્યાય માટે વલખાં મારતો રહેશે? આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. પીડિત પરિવારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, પણ હજી સુધી મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.અને સમાચાર લખાય છે ત્યાં સુધી આ મામલે ફરિયાદ નોંધાઈ રહી હોવાની જાણકારી મળી હતી





