
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ વીજ વિભાગની ગંભીર બેદરકારીના આક્ષેપ- બંધ ઘરમાં સ્માર્ટ મીટરનું રૂ.18 હજારનું બિલ આવ્યું
મેઘરજ શહેરમાં વીજ વિભાગની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના રહેવાસી શેઠ કિરીટભાઈ જેઠાલાલના લાંબા સમયથી બંધ રહેલા ઘરમાં સ્માર્ટ મીટર દ્વારા રૂ. 18 હજાર જેટલું વીજ બિલ ફટકારવામાં આવતા ભારે ચર્ચા સર્જાઈ છે.
અરજદારના જણાવ્યા મુજબ તેમનું ઘર ઘણા સમયથી બંધ છે અને તેમાં કોઈપણ પ્રકારનો વીજ ઉપકરણ ઉપયોગમાં લેવાતો નથી. તેમ છતાં સ્માર્ટ મીટરમાં આટલો મોટો વીજ વપરાશ દર્શાવાતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. આ બાબતે કિરીટભાઈએ મેઘરજ વીજ કચેરીમાં લેખિત તેમજ મૌખિક રીતે વારંવાર રજૂઆત કરી હોવા છતાં વીજ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કે સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી, તેવો આરોપ તેમણે લગાવ્યો છે.સ્માર્ટ મીટર જેવી આધુનિક વ્યવસ્થા હોવા છતાં આવી ભૂલ થવી વીજ વિભાગની કાર્યપ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. અધિકારીઓની નિષ્ક્રિયતા અને બેદરકારીને કારણે એક મધ્યમ વર્ગીય પરિવાર આર્થિક અને માનસિક તણાવમાં મુકાયો હોવાનું પણ અરજદારનું કહેવું છે.હાલમાં આ મામલો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું રહ્યું કે વીજ વિભાગ આ ગંભીર ફરિયાદ અંગે ક્યારે યોગ્ય તપાસ કરીને ન્યાય આપે છે કે નહીં.




