Rajkot: એકતા, સંસ્કૃતિ અને મનોરંજનની ત્રિવેણી સમાન ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાને માણવા નગરજનોમાં અનેરો થનગનાટ
તા.૧૩/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : રાજકુમાર
રમકડાં, ખાણીપીણી, આઈસ્ક્રીમ, હેન્ડીક્રાફટના ૨૦૦થી વધુ સ્ટોલ, ૫૦ જેટલા નાના મોટા ફજર-ફાળકામાં મહાલશે માનવ મહેરામણ
રાજકોટના રેસકોર્સ મેદાનમાં વહીવટી તંત્ર દ્વારા તા. ૧૪ થી ૧૮ ઓગસ્ટ સુધી પાંચ દિવસીય લોકમેળાનું ભવ્ય આયોજન
Rajkot: સમગ્ર સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો તહેવાર સૌથી વધુ લોકપ્રિય તહેવાર ગણાય છે. નાના-મોટા અબાલ વૃદ્ધ સૌ પાંચ દિવસ મેળા, ધાર્મિક અને પર્યટન સ્થળોએ હરે ફરે. એમાંય રાજકોટ તો રંગીલું શહેર. ચોકે ચોકે સુંદર રોશની અને ભગવાન કૃષ્ણના ફ્લોટ તૈયાર થાય, ને લોકો હોંશે હોંશે દર્શનનો લાભ લે. પણ હા, મેળા વગર જન્માષ્ટમીનો તહેવાર અધૂરો ગણાય.
સૌરાષ્ટમાં વિવિધ જિલ્લાઓ, તાલુકા, શહેર અને ધાર્મિક સ્થળે મેળાના આયોજન થાય. જેમાં રાજકોટના જન્માષ્ટમીના લોકમેળાને માણવા નગરજનોમાં અનેરો થનગનાટ જોવા મળે. તા. ૧૪ થી ૧૮ ઓગસ્ટ પાંચ દિવસીય લોક મેળાનું રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
બાળકોને જોઈએ રમકડાં અને ચકડોળમાં બેસવું. મસ્ત મજાની ખાણીપીણી આઈસ્ક્રીમ સાથે ઉજાણી કરે ત્યારે જ મેળો માણ્યો ગણાય. સાથે પરિવારજનો અને મિત્રો સંગ જોડાય. એટલે જ રાજકોટનો મેળો ખાસ બનાવવા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ત્રણ માસથી તૈયારી કરાઈ રહી છે
કલેકટરશ્રી ડો. ઓમપ્રકાશના માર્ગદર્શનમાં લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર શ્રી ચાંદનીબેન પરમાર દ્વારા મેળાના આયોજનમાં કોઈ ક્ષતિ ના રહે અને લોકો સારી રીતે મેળો માણી શકે તે માટે વિવિધ સ્ટોલ અને મનોરંજન માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષે લોકમેળામાં ખાણીપીણીના નાના ૬ અને મોટા ૪૬ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે, જયારે આઈસ્ક્રીમના ૧૬ અને ચા ના સ્ટોલ તો ખરા જ. રમકડાના ૧૧૦ સ્ટોલ મેળામાં હશે જેમાં બાળકોને પ્રિય રમકડાંઓ મળી રહેશે. મહિલાઓને ખરીદી માટે મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા હેન્ડીક્રાફટસના સ્ટોલ તો ખરાજ. હા મનોરંજન માટે ચકરડી અને મોતના કુવા સહિત મનોરંજન માટે નાની ચકરડીના ૧૨, મધ્યમ ચકરડીના ૩ અને મોટી સાઈઝના ફજર-ફાળકા માટે ૩૬ જેટલી યાંત્રિક રાઇડ્સ મેળામાં પધારેલા લોકોને મોજ કરાવશે.
સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ, વોચ ટાવર અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે અલાયદો સ્ટાફ તૈનાત કરવામાં આવશે. લાખોની સંખ્યામાં ભીડ આવતી હોય ત્યારે વ્યવસ્થાપનમાં સુચારૂ આયોજન જરૂરી છે. ‘શૌર્યનું સિંદૂર લોકમેળા’માં લોકોનાં વ્યવસ્થાપન સાથે વાહન પાર્કિંગની સુવિધામાં કોઇ તકલીફ ઉભી ન થાય તે બાબત પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત, સલામતીને લગતાં પોસ્ટર્સ પણ લગાવવામાં આવશે. મેળામાં જનમેદની વધી જાય તો તેને ડાયવર્ટ કરવા વોચ ટાવર પરથી સતત નજર રાખવામાં આવશે. એમ્બ્યુલન્સ સેવાઓ માટે ચોક્કસ રસ્તો નિયત કરવો અથવા વૈકલ્પિક વ્યવસ્થા માટે જરૂરી કામગીરી કરવામાં આવશે તેમ ડી.સી.પી. ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે વ્યવસ્થાપન અંગે માહિતી આપતા જણાવ્યું છે.
લોકમેળામાં સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને અનુરૂપ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોના મનોરંજન માટે રોજ બપોરે ૩.૪૫થી લઈને રાતે ૧૦ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામશે. જેમાં અઘોરી ગ્રૂપ, અલ્પાબેન પટેલ, રાજદાન ગઢવી સહિતના જાણીતા કલાકારોના મુખ્ય કાર્યક્રમો યોજાશે.
રાજકોટના ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાને માણી અબાલ વૃદ્ધો આવતા વર્ષે લોકમેળામાં મહાલવા ફરી પધારશું તેવા કોલ સાથે અઢળક યાદો સાથે છુટા પડશે.