Rajkot: યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા વિકસાવવા ખાસ કાર્યક્રમ યોજાયો

તા.૨૮/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સરકારી પોલિટેકનિક, રાજકોટના ઓડિટોરિયમ ખાતે ‘ઉદ્યોગસાહસિકતા જાગૃતિ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા, નવીનતા અને સ્વરોજગારીની તકો અંગે જાગૃતિ આવે તે હેતુથી ભારત સરકારના MSME મંત્રાલય તથા PPDC દ્વારા સરકારી પોલિટેકનિક, રાજકોટના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ગુજરાત રાજ્ય એક્સ્ટેન્શન સેન્ટર, MSME TDC (PPDC), ભારત સરકારના ઇજનેર અને ટ્રેનિંગ ઓફિસર શ્રી પ્રણવ એન. પંડ્યા, ઉદ્યોગસાહસિક શ્રી મયૂરસિંહ એમ. પરમાર અને વુમન (રિઝર્વ) ઓફિસર, કમ્યુનિકેશન સ્કિલ ટ્રેનર તથા એડવોકેટ-નોટરી શ્રી હર્ષાબેન એન. પંડ્યાએ સરકારી યોજનાઓ, ઉદ્યોગ શરૂ કરવા માટેની તકો, વ્યવહારુ અનુભવ અને કાયદાકીય પાસાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
સંસ્થાના આચાર્ય શ્રી એ.એસ.પંડ્યા તેમજ વિભાગ વડાઓ શ્રી જે.પી.ઓઝા (સિવિલ), શ્રી વી.એમ.ઠુંમર (ઇલેક્ટ્રિકલ) અને શ્રીમતી એમ.ટી.વસા (આઈ.ટી.) દ્વારા મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન સુ.શ્રી નીલમ સોમપુરા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સુવ્યવસ્થિત રીતે સફળ બનાવવામાં સંસ્થાની EDC કમિટીના સંયોજક શ્રી રાકેશ રાજયગુરુ, શ્રી સાવન પ્રજાપતિ, શ્રી કે.એલ.મકવાણા તથા કુ. આરતી હેરમાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
અંતમાં યોજાયેલ પ્રશ્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે સ્વરોજગારી અને ઉદ્યોગસાહસિકતા તરફ આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો તેમ સરકારી પોલિટેકનિક, રાજકોટના આચાર્યશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.




