
તા.૧૦.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડાના સીમલીયા ગામે ખેતરમાં કામ કરતી 70 વર્ષીય વૃદ્ધ મહિલા ઉપર મધ માખીના ઝુંડે હુમલો કર્યો
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સીમલીયા ગામે 70 વર્ષના વૃદ્ધા રંગલીબેન રોઝ હંમેશની જેમ પોતાના ખેતરમાં ખેતીકામ કરી રહ્યા હતા, ત્યારે તેમને અંદાજો પણ નહોતો કે આભમાંથી આફત ઉતરશે.અચાનક, મધમાખીઓના એક વિશાળ ઝુંડે રંગલીબેનને નિશાન બનાવ્યા. મધમાખીઓ એટલી આક્રમક હતી કે વૃદ્ધાને સંભાળવાની કે ભાગવાની તક પણ ન મળી. આખા શરીરે અસંખ્ય ડંખ વાગતા રંગલીબેન ખેતરમાં જ ઢળી પડ્યા હતા.પરિવારજનોને જાણ થતા જ તેઓ તાત્કાલિક રંગલીબેનને લઈને ગરબાડાની સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ હાલત વધુ ગંભીર જણાતા,તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અત્યારે 70 વર્ષીય રંગલીબેન દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે. તબીબો દ્વારા તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે ત્યારે હાલ તો સમગ્ર પંથકમાં આ ઘટનાને લઈને અરેરાટી વ્યાપી ગઈ છે.





