નવસારી દાંડી ખાતે “જંગલને જીવવા દો” શેરી નાટક દ્વારા પર્યાવરણ જાગૃતિનો સંદેશ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના દાંડી રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક ખાતે “વન છે તો જીવન છે” થીમ પર આધારિત “જંગલને જીવવા દો” શેરી નાટક ભજવાઈ હતી. પર્યાવરણ જાગૃતિ માટે રચાયેલ આ નાટકમાં માનવ અને ઈશ્વરની દુનિયા વચ્ચેના તફાવતની વાત રજૂ કરવામાં આવી હતી, જેમાં માનવ દ્વારા વિકાસના નામે પ્રકૃતિના વિનાશ અને તેના પરિણામે ભોલીયો તથા વનદેવી વચ્ચેના સંઘર્ષને સ્પર્શવામાં આવ્યો હતો.
નાટક દ્વારા વૃક્ષારોપણ, વૃક્ષોની સેવા અને જતન, તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણના જીવલેણ અસરો વિશે સચોટ સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા અગત્યના મુદ્દાઓને સ્પર્શતા દૃશ્યો નાટકમાં દાખવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જલાલપોર તાલુકાના મામલતદાર મૃણાલ દાન ઇસરાની ઉપસ્થિત રહ્યા હતા. પ્રસિદ્ધ પર્યાવરણ કાર્યકર ડૉ કાળુભાઈ ડાંગરે પોતાના અનુભવો વહેંચતા જણાવ્યું હતું કે તેમણે લોકોને જાગૃત કરીને દાંડી કાંઠા વિસ્તારમાંથી પ્લાસ્ટિક દૂર કરાવ્યું છે, જેના પરિણામે હવે ત્યાં સ્વચ્છતા જોવા મળે છે.
તેમણે પોતાના સંદેશમાં વાડી વિસ્તારમાં ફળદ્રુપ વૃક્ષો વાવવાની ભલામણ કરી હતી, જેથી પક્ષીઓ અને બાળકોને મીઠાં ફળ મળવા સાથે પર્યાવરણ રક્ષણ પણ થાય.
આ પ્રસંગે નાટકના દિગ્દર્શક અને લેખક ભરત પંચોલી હતા. કલાકારો મુકેશ જાની, રશ્મિ એન્જિનિયર, રવિ રાઠોડ, રેખા જાદવ અને ભરત પંચોલીએ અભિનય દ્વારા શૃંગારિક અને ગંભીર સંદેશો ખુબ જ અસરકારક રીતે રજૂ કર્યા. નાટ્ય નિર્માણની પરિકલ્પના સ્મિતા અધ્વર્યુએ સંભાળી હતી.
કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મુલાકાતીઓ અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી.
મહાત્મા ગાંધીની મીઠા સત્યાગ્રહ યાત્રાની પવિત્ર ભૂમિ પર યોજાયેલ આ કાર્યક્રમ દ્વારા “જીવો અને જીવવા દો” તેમજ “પ્રકૃતિનું રક્ષણ – માનવજાત માટે આવશ્યક” જેવા સંદેશોને લોકચિત્તમાં ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.






