
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના દિવેર પ્રાથમિક શાળા ખાતે 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શિનોર મામલતદાર શ્રી એમ.જે. બારિયા ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો અને મામલતદાર શ્રી એમ.જે. બારિયા ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન સાથે સમગ્ર પરિસરમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.
ત્યાર બાદ શિનોર મામલતદાર શ્રી એમ.જે. બારિયા ના હસ્તે દિવેર ગ્રામ પંચાયત માં વિકાસના કામો માટે પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં નાયબ મામલતદાર શ્રી રોકી એમ. રામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ શિનોર તાલુકાના આગેવાનો, સ્થાનિક ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવતા દેશપ્રેમી વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.
આ અવસરે વક્તાઓએ બંધારણની મહત્તા, દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે દરેક નાગરિકની ફરજ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી.
કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા તમામ મહેમાનો, અધિકારીઓ તથા ઉપસ્થિત નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો.




