આણંદ – 2951 ગામના 3.50 લાખ ખેડૂતોને 55 તજજ્ઞોની ટીમ આધુનિક ખેતી અંગે માર્ગદર્શન આપશે
આણંદ – 2951 ગામના 3.50 લાખ ખેડૂતોને 55 તજજ્ઞોની ટીમ આધુનિક ખેતી અંગે માર્ગદર્શન આપશે
તાહિર મેમણ – આણંદ – 29/05/2025 – આણંદ કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ ૯ જિલ્લાઓના ૭૯૩ ગામોના અંદાજે ૧ લાખ ૨ હજારથી વધુ ખેડૂતો, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ૭ જિલ્લાના ૪૬૫ ગામોના ૮૦ હજાર ખેડૂતો, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગતના ૧૦ જિલ્લાના ૯૩૩ ગામોના ૧.૨૦ લાખ ખેડૂતો અને નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનના ૭ જિલ્લામાં ૭૬૦ ગામોના ૭૧ હજારથી વધુ ખેડૂતો એમ સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને આ અભિયાન હેઠળ આવરી લેવાનું સઘન આયોજન રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાન રાજ્યના ખેડૂતો માટે ઘરેબેઠા ગંગાનો અવસર ગણાવતા ઉમેર્યુ કે, કૃષિ ક્ષેત્રે નવિન શોધ-સંશોધનની માંગને પારખીને આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના શ્રેષ્ઠ ઉપયોગથી નેનો યુરીયા ખાતર અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે કેવી રીતે કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જો ખેડૂતનું અને કૃષિ ક્ષેત્રનું તથા ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છાશક્તિ હોય તો કેવા બદલાવ લાવી શકાય તે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વીજળી અને નર્મદાનું પૂરતું પાણી સિંચાઈ માટે આપીને પુરવાર કર્યું છે. ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક વધુ લઈ શકાય, વેલ્યૂ એડિશન કરીને કેવી રીતે વધુ કિંમત મળે, એ બધી સમજ સામે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ તેમણે કૃષિ મહોત્સવથી અપનાવ્યો હતો એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.