AHAVADANGGUJARAT

ડાંગ ઉત્તર વન વિભાગની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ખૈરના લાકડા ભરેલી બોલેરો પીકપ ઝડપી પાડી..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં વન સંપદાની ચોરી કરતા તસ્કરો સામે ઉત્તર ડાંગ વન વિભાગે કડક વલણ અપનાવ્યું છે.ઉત્તર-ડાંગ આહવાનાં નાયબ વન સંરક્ષક (DCF) મુરાલીલાલ મિણા ને મળેલી ચોક્કસ બાતમીના આધારે, તેમના માર્ગદર્શન હેઠળ સિંગાણા રેંજનાં આર.એફ.ઓ એમ.કે.ગાયકવાડ અને સુબિર રેંજનાં આર.એફ.ઓ.પ્રિતેશભાઈ ગામીતની સંયુક્ત ટીમો દ્વારા રાત્રિના સમયે સઘન વોચ ગોઠવવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન શીંગાણા રેંજ અને સુબીર રેંજના વન કર્મચારીઓએ સંયુક્ત રીતે ‘કોમ્બિંગ પેટ્રોલિંગ’હાથ ધર્યું હતુ.રાત્રિના અંદાજે 10:00 વાગ્યાના સુમારે જ્યારે વન વિભાગની ટીમ શીંગાણાથી ગીરમાળ તરફ જતા રસ્તા પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે એક શંકાસ્પદ મહિન્દ્રા બોલેરો પીકપ ગાડી (નંબર GJ-19/V-1023) પસાર થતી જોવા મળી હતી. ટીમે ગાડીને અટકાવવાનો સંકેત આપ્યો હોવા છતાં, ચાલકે પકડાઈ જવાની બીકે વાહન પૂરઝડપે હંકારી મૂક્યુ હતું.વન વિભાગની ટીમે હિંમતપૂર્વક આ શંકાસ્પદ વાહનનો પીછો કર્યો હતો. શીંગાણા ગામની સીમ નજીક વન કર્મચારીઓએ વાહનને ચોતરફથી ઘેરી લેતા, આરોપીઓએ પોતાની ધરપકડથી બચવા માટે ગાડી રસ્તા પર જ બિનવારસી હાલતમાં છોડી દીધી હતી અને ગાઢ અંધારાનો લાભ લઈને જંગલના વિસ્તારોમાં ભાગી છૂટ્યા હતા. વન વિભાગ દ્વારા ઘટના સ્થળે જઈને વાહનની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવતા કિંમતી ખૈરના લાકડાના કુલ 22 નંગ (1.617 ઘન મીટર) મળી આવ્યા હતા. વન વિભાગે મુદ્દામાલ તરીકે વાહન અને લાકડાનો જથ્થો કબજે કર્યો છે, જેની અંદાજિત કિંમત ₹1,45,000/- જેટલી થાય છે.આ સમગ્ર સફળ કામગીરી શીંગાણા રેંજના R.F.O. એમ.કે. ગાયકવાડ અને સુબીર રેંજના R.F.O. પ્રિતેશ ગામિતની આગેવાની હેઠળની ટીમો દ્વારા કરવામાં આવી હતી. આ ઘટના અંગે વન વિભાગે રાજ્ય ગુના નંબર 5 સ.ને. 2025/26 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હાલમાં ફરાર થઈ ગયેલા અજાણ્યા આરોપીઓની સઘન શોધખોળ ચાલુ છે.ઉત્તર વન વિભાગની આ ત્વરિત કાર્યવાહીને પગલે પંથકના લાકડા ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે..

Back to top button
error: Content is protected !!